સોનગઢ સ્ટેશન રોડ પર આવેલ એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી એક યુવતીને તેના કોલેજ સમયે વિધર્મી મિત્રએ ધમકી આપી લગ્ન કરી લેવા માટે દબાણ કરી તેની છેડતી કરતાં યુવક સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં સ્ટેશન રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતી સોનગઢની સરકારી કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણતી હતી ત્યારે તેની મિત્રતા સોનગઢનાં વાંકવેલ ગાયત્રી મોટર્સ પાસે રહેતાં સાદિકખાન શાબાશખાન પઠાણ સાથે થઇ હતી.
જોકે કોલેજનો અભ્યાસ પૂર્ણ થતાં તેમની વચ્ચેની મિત્રતા પણ તૂટી ગઈ હતી અને યુવતીએ મિત્રતા રાખવા ના પાડેલ હતી. આમ છતાં સાદિક પઠાણ યુવતીને મિત્રતા રાખવા સતત દબાણ કરતો હતો અને કહ્યું કે, ‘જો તું મારી સાથે નિકાહ ન કરે તો આપણા કોલેજ સમયના ફોટા હું વાયરલ કરી દઈશ અને તને બદનામ કરી દઈશ’ એવી ધમકી આપતો હતો. એ પછી યુવતીના માતા પિતાએ ગત 2022ના ડિસેમ્બર માસમાં દીકરીના લગ્ન અમદાવાદ નક્કી કર્યા ત્યારે સાદિક પઠાણે ત્યાં પણ ખોટી માહિતી પહોંચાડતા યુવતીના લગ્ન પણ તૂટી ગયા હતા.
ત્યારબાદ યુવતી અને તેની બહેન સોનગઢ નગરમાં શિવાજી ચોક પાસે એક દુકાને આવી હતી ત્યારે ફરી સાદિકખાન શાબાશખાન પઠાણ ત્યાં આવ્યો હતો અને યુવતીને કહ્યું કે, તું મારી સાથે નિકાહ કરી લે મારો આખો સમાજ મારી સાથે છે તારે ડરવાની જરૂર નથી. જો તું એમ ન કરે તો તારા પરિવારને બદનામ કરી નાખીશ અને તારા લગ્ન ક્યારેય ન થવા દઈશ. એ સાથે જ આરોપીએ વધુ ધમકી આપતા કહ્યું કે જો તું મારી સાથે નિકાહ અંગે ના પાડશે તો તારા મોઢા પર હું એસિડ ફેંકી દઈશ અને જાનથી મારી નાખીશ એવી પણ ધમકી આપી હતી.
જોકે પછી સ્થળ પર લોકો ભેગા થઈ જતાં સાદિક ત્યાંથી નાસી ગયો હતો. આમ યુવતીએ મિત્રતા રાખવા સતત ઇન્કાર કર્યો હોવા છતાં સાદિક તેનો પીછો કરી હેરાન કરતો હતો જેથી યુવતીએ સોનગઢ પોલીસ મથકે આરોપી સાદિક પઠાણ સામે આઈપીસીની જુદી જુદી ધારા હેઠળ ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટક કરી હતી.
જયારે વધુમાં બનાવ અંગે સોનગઢ પોલીસમાં જાણ થતાં પોલીસ કર્મી સતીશભાઈ નાનસિંગભાઈ સરકારી દવાખાને આરોપીની તપાસ માટે ગયાં હતા. તે વખતે ત્યાં ઉપસ્થિત સાદિકખાન પઠાણ અને તેનો ભાઈ સાબિરખાન પઠાણ તથા જગુભાઈ ગોનાભાઈ ગામીતે પોલીસ કર્મી સાથે જીભા જોડી કરી ઝપાઝપી કરતા અન્ય કર્મીઓ દોડી આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. બનવા અંગે પોલીસ પોતાના યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે ગેરવર્તન કરનાર સાદિક પઠાણ, સાબિર પઠાણ અને જગુ ગોના ગામીત સામે સરકારી કામમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500