Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાકરાપાર ખાતે બદોબસ્તમાં આવેલ સુરત પોલીસ લોકરક્ષકનું અજાણ્યા વાહન અડફેટે મોત

  • February 24, 2024 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચરપુરા ગામે વ્યારા બારડોલી હાઇવે નંબર-53 ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બચાવતા લોકરક્ષકનું મોત થયું હતું અને સાથી મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. લોકરક્ષક વ્યારા ખાતે વડાપ્રધાનના બંદો બસ્તમાં ફરજ ઉપર આવ્યો હતો જોકે ડ્યુટી બાદ વ્યારાના લોટરવા ગામે ભોજન કરી ગાંધીનગર ખાતે કમલમ ઓફિસમાં ફરજ બજાવતા મિત્રને ટીચકપુરા ગામે મુકવા આવી રહ્યો હતો. વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામે નવાપાડા ફળિયામાં રહેતા જયંતીલાલ ઈશ્વરભાઈ ચૌધરીનો પુત્ર સેતુલ ચૌધરી (ઉ.વ.30) જેઓ સુરત શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતો હતો.


જોકે ગુરુવારે કાકરાપાર અણુ વિધુત મથકે યુનિટ-3 અને યુનિટ-4નાં લોકાર્પણ માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવ્યા હોવાથી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવેલ બંદોબસ્તમાં સેતુલ ચૌધરી સુરતથી ફરજમાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે કમલમ ઓફિસમાં સાઉથ ઝોનના ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા મિત્ર વિમલ બળવંતભાઈ ગામીત (ઉ.વ.32., રહે.ડ્રીમ હોમ સોસાયટી, ખટાર ફળિયું, કાનપુર, વ્યારા)ના સાથે ડ્યુટી પૂરી થયા બાદ વ્યારાના લોટરવા ગામે ભોજન કરવા જવાનું નક્કી કર્યું હોવાથી બંદોબસ્ત બાદ વ્યારાના ઈન્દુ બ્રિજ પાસે બંને મિત્રો ભેગા થયા હતા.


જ્યાંથી વ્યારા બારડોલી હાઇવે નંબર-53 ઉપર વ્યારાના ટીચરપુરા ગામની સીમમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે વિમલ ગામીતની બાઈક મૂકીને સેતુલે તેની હોન્ડા યુનિકોન બાઈક નંબર GJ/26/AC/5010 ઉપર વિમલને બેસાડીઓ હતો અને બંને મિત્રો ભોજન કરવા ગયા હતા. સેતુલ પરત સુરત જવાનો હોવાથી ભોજન કરી વિમલને તેની બાઈક પાસે ઉતારવા ટીચકપુરા ગામે પરત થઈ રહ્યો હતો.


તે દરમિયાન રાત્રિના સમયે ટીચકપુરા ગામની સીમમાં બાલ ક્રિષ્ના મલ્ટિપ્લેક્ષ સામે હાઇવે ઉપર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં બંને રોડ ઉપર પડ્યા હતા જેમાં વિમલ ગામીતને સામાન્ય ઇજા થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો, જ્યારે લોકરક્ષક સેતુલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી સુરતની હોસ્પિટલમાં સિફ્ટ કર્યો હતો જ્યાં મોડી રાત્રે તેનું મોત થયું હતું. અકસ્માત અંગે વિમલ ગામીતે શુક્રવારે વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોતના ગુનાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application