મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં શિવાજીનગર ખાતેથી એક ઈસમને વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સોનગઢ ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વિપુલભાઈ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ (રહે.સોનગઢ, શક્તિનગર સોસાયટી, તા.સોનગઢ, જિ.તાપી) નાઓ સોનગઢનાં શિવાજી નગરમાં વાસુભાઇ પાઈદાસ મરાઠેનાં મકાનમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ પોલીસ રેઈડ કરતા ત્યાં મકાનમાં એક ઈસમ હાજર મળી આવેલ હતો. પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિપુલભાઈ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ (રહે.સોનગઢ, શક્તિનગર સોસાયટી, તા.સોનગઢ, જિ.તાપી)નાં હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનનાં એક ખૂણાનાં ભાગે એક પ્લાસ્ટિકનાં કોથળામાંથી વગર પાસ પરમીટે અલગ-અલગ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ 126 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 18,600/- હતી.
જોકે પોલીસે આ વિદેશી દારૂ ક્યાંથી લાવેલ છે તે પૂછતા જાણવા મળ્યું હતું કે, એમ.ડી. વાઈન શોપ નવાપુર ખાતે હાજર એક ઈસમ જેના નામ ઠામની ખબર નથી તેની પાસેથી છૂટક વેચાણ અર્થે લાવેલ હોય તવું જણાવ્યું હતું. જેથી પોલીસે એમ.ડી. વાઇન શોપ નવાપુર ખાતે હાજર અજાણ્યા ઈસમ જેના નામઠામની ખબર નથી તેને ગુનાનાં કામે વોન્ટેડ જાહેર કરેલ છે. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ વરસાડેની ફરિયાદનાં આધારે ઝડપાયેલ વિપુલ ઉર્ફે ઘોડો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500