મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ટોકરવા અને ચીમકુવા ગામેથી તાપી એલ.સી.બી. પોલીસે અલગ-અલગ સ્થળેથી દારૂનાં જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગુરુવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા ટોકરવા ગામનાં ત્રણ રસ્તા પાસે આવતા એક યુવકને હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ/26/M/4060 ઉપર પ્લાસ્ટિકનાં મીણીયા કોથળામાં કઈક ભરી લઈ જતો હોય જેથી પોલીસને તેની ઉપર પ્રોહી ગુના અંગે શક જતાં તેને લાકડીનાં ઈશારે ઊભા રહેવા ઈશારો કરતા યુવકે પોતાના કબજાની મોટર સાઈકલ ઊભી રાખી હતી ત્યારબાદ પોલીસે મોટર સાયકલ ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ, સતિષભાઈ સુકરીયાભાઈ ગામીત (રહે. મેઢસિંગી, આમલી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસે મોટર સાયકલ ઉપર મુકેલ પ્લાસ્ટિકનાં મીણીયા કોથળા ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટી દેશી દારૂ સુગંધી સંતરાની કુલ 119 બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5950 હતી. આમ, પોલીસે ભારતીય બનાવટી દેશી દારૂ સુગંધી સંતરાની કુલ 119 બોટલો અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા 22,950/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે બીજા બનાવમાં તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગુરુવારનાં રોજ બપોરે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચીમકુવા ગામની સીમમાંથી એક ઈસમ યુનીકોન બાઈક નંબર GJ/05/ES/1007માં સીટ નીચે તથા પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલી લઇ નીકળનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ચીમકુવા ગામની સીમમાં આવેલ જાહેર રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન ચીમકુવા ગામ તરફથી બાતમી વાળી બાઈક આવતા જોઈ પોલીસે તેને લાકડીનાં ઈશારે ઉભા રહેવાનો ઈશારો કરતા બાઈક ચાલકે પોતાના કબજાની બાઈક ઉભી રાખી હતી.
જોકે પોલીસે તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ, સુનિલભાઈ મહેશભાઈ ગામીત (રહે.નાની ચીખલી ગામ, નાગદેવ ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાઈકની સીટ ખોલી જોતા સીટની નીચે તથા પેટ્રોલની ટાંકીની અંદર ચોર ખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 112 નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 5,600/- હતી. આમ, પોલીસે ચોર ખાનું બનાવી ચોર ખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા 1 નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા 5,000 અને બાઈકની કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ રૂપિયા 40,600/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500