સોનગઢ તાલુકાનાં ઓટા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા સાદડુન ગામ પાસે રાત્રીનાં સમયે બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને જેમાં બંને બાઈક ચાલક યુવકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતાં, જયારે અકસ્માતમાં બાઈક પાછળ બેસેલી એક યુવતી અને અન્ય એક યુવકને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં સાંકરી તાલુકાનાં ખેરખૂંદા ગામે રહેતાં ફોટુભાઈ માવચી ખેતી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે તેઓ સોમવારનાં રોજ રાત્રીનાં સમયે પુત્ર સાથે સોનગઢનાં સાદડુન ગામે લગ્ન પ્રસંગે આવ્યાં હતાં અને જયારે તેઓ લગ્નમાં વ્યસ્ત હતાં ત્યારે રાત્રીનાં 2.30 કલાકનાં અરસામાં ઓટા રોડ પર સાદડુન ગામની દૂધ ડેરી પાસે બે બાઇકો સામસામે અથડાઈ હોવાની જાણકારી મળતાં ફોટુભાઈ સ્થળ પર ગયા હતાં.
તપાસ કરતાં અકસ્માતમાં તેમનો પુત્ર અને અન્ય એક યુવક સ્થળ પર જ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જયારે ફરિયાદી ફોટુભાઈ માવચીનો પુત્ર દિનેશ માવચી (ઉ.વ.20) બાઈક પર મોડી રાત્રીના સમયે મલંગદેવ ગામની તેની સ્ત્રી મિત્ર અર્ચનાબેન ગામીતને બેસાડી ખેરખૂંદા ગામ તરફ જવા નીકળ્યા હતાં.
તે સમયે બાઈક સાદડુન ગામની દૂધ ડેરી નજીકથી પસાર થતી હતી ત્યારે ઓટા ગામ તરફથી આવતી એક બાઈક નંબર GJ/30/C/9571ના ચાલક નિકુંજભાઈ ઇન્દુભાઈ પવાર (રહે.સુબિર) નાએ પોતાની બાઈક પૂરઝડપે હંકારી દિનેશની બાઈકને સામેથી જોરદાર ટક્કર મારી હતી અને બંને બાઈક પર બેસેલા ચાર લોકો રોડ પર ફેંકાઈ ગયા હતા જેથી આ અકસ્માતના બનાવમાં બંને બાઈક ચાલક દિનેશભાઈ ફોટુભાઈ માવચી (રહે.ખેરખૂંદા) અને નિકુંજભાઈ ઇન્દુભાઈ પવાર (રહે.સુબિર) નાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી.
જોકે મોડી રાત્રીએ સર્જાયેલા અકસ્માતના આ બનાવમાં ગંભીર ઇજા પામેલાં યુવકોને સારવાર મળે એ પહેલાં સ્થળ ઉપર જ મોત થયા હતાં. જ્યારે અર્ચનાબહેન ગામીત અને અતુલ અર્જુન ઠેંગલને શરીરે ઇજા થતા તેમને 108ની મદદથી સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફોટુભાઈએ સોનગઢ પોલીસ મથકે અકસ્માતમાં મરણ જનાર નિકુંજભાઈ પવાર સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500