સોનગઢ તાલુકાનાં ચાકળિયા ગામ નજીકથી અંદાજિત ત્રણ વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જયારે સ્થાનિક લોકોનાં જણાવ્યા મુજબ હજી બીજા એક બે દીપડા ગામ પાસે ફરતાં જોવા મળે છે. ચાકળિયા ગામની સીમમાં છેલ્લા એક દોઢ માસથી બે ત્રણ દીપડા ફરતા જોવા મળી રહ્યાં છે. જોકે આ દીપડાઓ ગામમાંથી મરઘા-કૂતરાંનો શિકાર કરી ગયા છે અને પાલતું પશુઓ પર હુમલો કર્યો હોવાના બનાવો પણ નોંધાયા છે.
જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાત્રીનાં સમયે ખેતરમાં પોતાનો ખેતી પાક સાચવવા માટે રાતવાસો કરતાં ખેડૂતોમાં દીપડાઓને કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી સરપંચ દ્વારા વન વિભાગમાં રજૂઆત કરવામાં આવતાં વિભાગ દ્વારા મરઘાના મારણ સાથેનું પાંજરું ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં મુકવામાં આવ્યું હતું.
જેમાં ગતરોજ મોડી રાત્રીએ ખોરાકની શોધમાં આવેલ એક દીપડો પાંજરામાં મુકેલ મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો. તેમજ પાંજરે પુરાયેલા દીપડાની ત્રાડ સાંભળી ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગ સ્ટાફનાં કર્મચારીઓ દીપડા સાથેનું પાંજરું કિકાકુઈ ખાતે આવેલ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ ગયા હતાં. ત્યારબાદ દીપડાને સલામત સ્થળે છોડવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500