સોનગઢનાં બોરદા અને પાગડધુવા ગામમાંથી વિદેશીદારૂનો જથ્થો શોધી કાઢવામાં પ્રોહી સ્પેશીયલ ડ્રાઈવ સુરતની ટીમને સફળતા મળી છે જોકે બે આરોપી નાશી છુટ્યા હતા જયારે પાગડધુવાથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર પ્રોહી સ્પેશીયલ ડ્રાઈવ સુરતની ટીમને મળેલ બાતમીના આધારે રવિવાર નારોજ સોનગઢ તાલુકાના બોરદા ગામના આશ્રમ ફળીયામાં રહેતો જસવંતભાઈ ગુલાબભાઈ વસાવાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પ્રોહી સ્પેશીયલ ડ્રાઈવ સુરતની ટીમએ ભારતીય બનાવટની દેશીદારૂની બાટલીઓ તથા વિદેશીદારૂની બાટલીઓ તેમજ ટીન બીયર કુલ નંગ 340 જેની કિંમત રૂપિયા 19,075/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જોકે આરોપી જસવંતભાઈ વસાવા નાશી છુટ્યો હતો. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જયારે બીજા બનાવમાં સોનગઢના પાગડધુવા ગામના નિશાળ ફળીયામાં રહેતો વિશાલભાઈ કેસરસિંગ વસાવાને ત્યાં દરોડા પાડી ઘરમાં વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશી દારૂની બાટલીઓ તથા વિદેશી દારૂની બાટલીઓ તેમજ ટીન બીયર કુલ નંગ 381 જેની કિંમત રૂપિયા 30,100/-ના પ્રોહી જથ્થા સાથે વિશાલભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જયારે હલદરી ગામે રહેતો પરેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પ્રોહી સ્પેશીયલ ડ્રાઈવ સુરત ટીમમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે પકડાયેલો દારૂનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500