શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી. શિયાળામાં વિદ્યાર્થીઓને અનુકૂળ કપડાં પહેરવા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ પર ગરમ કપડા બાબતે દબાણ ન કરવામાં આવે તેવી શાળાને સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકાશે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ઠંડીની સિઝનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી આ અંગે સૂચના આપવામાં આવી છે કે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઠંડીમાં રક્ષણ ન આપતા સ્વેટર પહેરવા માટે દબાણ કરાશે નહીં. જો કોઈ શાળા વિદ્યાર્થીઓ પર દબાણ કરે છે તો વાલીઓ તેની જાણ જિલ્લાના શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500