તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી અને ચીખલી ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મીશન મંગલમ યોજના હેઠળ કલસ્ટર કક્ષાના સંધનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા પ્રમુખના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા લેવામાં આવતી ગ્રામ્ય કક્ષાની મુલાકાત દરમિયાન મહિલાઓ દ્વારા હંમેશા રોજગારી મેળવવા અંગે અપીલ કરવામાં આવતી હતી.
આ બાબતને ધ્યાને લેતા અને આ વિસ્તારની મહિલાઓ દ્વારા સાડી ભરવાના છુટ્ટક કામ કરતી હોવાથી આજ કામને મોટા પાયે લાગુ કરી વધુ સારી રોજગારી ઉભી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેને આજે ગ્રામ વિકાસ અને સખી મંડળની બહેનો દ્વારા સાકાર કરી શક્યા છે. બહેનોને આત્મનિર્ભર બનાવવાની નેમ આજીવીકા મિશનની છે. જેના દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ રોજગારી ઉભી કરવા મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી રોજગારીનું સર્જન કરવામાં આવે છે.
સાડી ભરવાના કામને માટે આ કલસ્ટર કક્ષાના સંધનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં પ્રથમ તાપી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે બહેનો માટે સુરત જેવા મોટા શહેરોથી મોટા મોટા ઓર્ડરો લાવવા અને કામ મુજબ પેમેન્ટ સમય સર કરી સરળતાથી કામ કરી શકાય તેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવશે. ઉપરાંત તેમણે આ કેન્દ્રના પ્રિતભાવને જોઇ જિલ્લામાં અન્ય 11 ગામોમાં કેન્દ્રો શરૂ કરવાની બહેનોની માંગને આવકારી ટુંક સમયમાં તેના ઉપર સક્રિય પગલા લેવામાં આવશે એમ ખાતરી આપી હતી.
વધુમાં તેમણે ઉપસ્થિત મહિલાઓને સમુહની શક્તિ અંગે અવગત કરતા જણાવ્યું હતું કે, સામુહિક રીતે કામ કરવામાં આવે તો ખુબ જ સારુ કામ કરી શકાય છે. આ કેંદ્ર ખાતે બહેનોના રજિસ્ટર નિભાવવામાં આવશે, તેઓને સાધન સામગ્રી, બેસવા અને કામ કરવા ટેબલ ખુરશીની સુવિધા આપવામા આવી છે. તેમણે બહેનોને ખુબ લગનથી કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. અને ઉમેર્યું હતું કે, તમારી પ્રેરણાથી બીજા ગામોની બહેનો પ્રેરિત થયા છે આ સૌ બહેનોને કામ આપવાની જવાબદારી અમારી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, 10 બહેનો મળી એક સખી મંડળ બનાવે છે. અને આ સખી મંડળના ગૃપો વી.ઓ બનાવે, 3થી 4 ગામના વી.ઓ મળી તાલુકા કક્ષાનું સંઘ એટલે કલસ્ટર કક્ષાના સંધનું નિર્માણ થાય છે. આમ ચાપાવાડી કલસ્ટરમાં 900 મહિલાઓ જોડાઇ સાડી ભરવાના કામ સાથે સંકળાઇને વધારાની આવક ઉભી કરવા પ્રારંભ કરાયો છે જે ખુબ જ સરાહનિય બાબત છે.
આ કામગીરી માટે તેમણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અંગત રીતે લેવામાં આવતા રસ અને પથદર્શક તરીકેની કામગીરીની સરાહના કરી હતી. તેમણે બહેનોને અભિનંદન પાઠવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ્યારે ગ્રામ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા આટલા પ્રયાસો કરતા હોય ત્યારે સૌ બહેનોને તેમા સક્રિય ભાગીદારી દાખવી સહકાર આપવા આગ્રહ કર્યો હતો. વ્યારા પીઓ કમ ટીડીઓ જણાવ્યું હતું કે, સાડી ભરતકામના છુટ્ટક કામ કરવાની સામે સામુહિક રીતે બહેનો કામ કરે તો તેઓને વધારે આવક મળશે.
આ આયોજનથી દરેક બહેનો મહિને 3 હજારથી 3500 જેટલી વધારાની આવક ઉભી કરી સ્વનિર્ભર બની શકશે. તેમણે બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ જણાવ્યું હતું કે, મીશન મંગલમથી બહેનો જાગૃત થયા છે. તેમણે બહેનોને એક થઇ ઉચ્ચ કક્ષાની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં બહેનોએ સાડી ભરત કામની કામગીરીને મહાનુભાવોની ઉપસ્થિતીમાં શરૂ કરી કામગીરીનો શુભારંભ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500