મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં મોહીની ગામેથી પોતાના આર્થિક લાભ માટે જુગાર રમાડનાર રૂમકીતળાવ ગામનો યુવક પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. અને જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોહિની ગામનાં નિશાળ ફળિયામાં એક યુવક ઘર આગળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવતાં પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, નિતેશભાઈ રૂપસિંગભાઈ પ્રધાન (ઉ.વ.24, રહે.રૂમકીતળાવ ગામ, નીચલ ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પકડાયેલા યુવકની અંગઝડતી કરતા તેની પાસેથી અલગ-અલગ આંકડા લખેલ કાપલીઓ, બોલપેન અને કાર્બન પેપર મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારી આનંદભાઈ ચૈધરીની ફરિયાદનાં આધારે નિતેશ પ્રધાન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500