ઉચ્છલ તાલુકાનાં સેલુડ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી સરકારી નીતિ પ્રમાણે આનંદપુર ગામને છૂટું કરી સ્વતંત્ર ગ્રામ ગ્રામ પંચાયત આપવાની માંગ તીવ્ર બની છે. જોકે હાલમાં આનંદપુર ગામનાંનાં લોકો એક સામાન્ય દાખલો લેવા પણ સેલુડ સુધી જવું પડે છે અને તેથી સમયનું અને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. બનાવની વિગત એવી છે કે, ઉચ્છલ તાલુકામાં જે તે સમયની વસ્તીને ધ્યાનમાં લઈ ગામડાઓ જોડી ગ્રુપ ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવી હતી.
તે મુજબ સેલુડ ગામની આસપાસ આવેલા નાનછલ અને આનંદપુર ગામને જોડી સેલુડ ગ્રુપ ગ્રામ પંચાયત બનાવવામાં આવી હતી. જોકે આ બાબતને વર્ષોનાં વહાણા વીતી ગયા છે અને વીતેલા સમયમાં જે તે ગામની જનસંખ્યામાં પણ વધારો નોંધાયો છે અને જરૂરિયાત પણ વધારો થયો છે. હાલમાં જ્યાં ગ્રામ પંચાયત ચાલે છે એ સેલુડ ગામની વસ્તી આશરે 2050 જેટલી છે.
જ્યારે પંચાયતમાં સમાવિષ્ટ આનંદપુર ગામની વસતિ અંદાજિત 2425 જેટલી ગણાય છે. આમ, સેલુડ ગામની કુલ જનસંખ્યાથી આનંદપુર ગામની જનસંખ્યા પણ વધુ છે. વળી આનંદપુર ગામની નજીકથી નૅશનલ હાઇવે નંબર-53 પણ પસાર થતો હોવાથી અહીં કામ ધંધા પણ વધ્યા છે જેથી સેલુડ કરતાં આનંદપુર ગામનો વિકાસ ઝડપી થયો છે.
આમ હવે આનંદપુર ગામની જનસંખ્યા વધી હોય ગામને પોતાની સ્વતંત્ર ગ્રામપંચાયત મળે તે માટે લોકોમાં માંગ ઉભી થવા માંડી છે. બનાવ અંગે ઉચ્છલ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા મુકેશભાઈ ગામિતે ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત તાપીમાં એક પત્રના માધ્યમથી અલગ પંચાયત માટે માંગ કરી હતી.
જોકે આ પત્રમાં જણાવ્યાં પ્રમાણે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ નંબર 1099/3371 મુજબ પંચાયત અલગ કરવા બાબતે એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે એ પરિપત્ર મુજબ આનંદપુર ગામને પોતાની અલગ ગ્રામ પંચાયત મળી શકે છે. આ અંગે જિલ્લા પંચાયત તાપી અને સરકાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને આનંદપુર ગામને અલગ પંચાયત આપવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500