મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં તાડકુવા ગામેથી એક મહિલા દેશી દારૂ સાથે પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી હતી કે, તાડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરની પાછળનાં ભાગે આવેલ પજારીમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી રેડ કરતા ત્યાં આગળ એક મહિલા હાજર મળી આવતા પોલીસે તેનું નામ પૂછતા મહિલાએ પોતાનું નામ આશાબેન નગીનભાઈ નાયકા (રહે.તાડકુવા ગામ, ડુંગરી ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તપાસ કરતા બે કાપડની થેલીમાંથી પ્રવાહી ભરેલ મળી આવતાં અને તે પ્રવાહી સુંઘી જોતા દેશી દારૂ જાણવા મળ્યું હતું અને બે કાપડની થેલીમાંથી પ્લાસ્ટિકની 45 નંગ કોથળીઓ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500