સોનગઢ તાલુકાનાં ધમોડી ગામે રહેતાં એક ખેડૂત પર તેના જ ફળિયાના એક આરોપી યુવકે તેની પત્ની સાથે ખેડૂત આડો સંબંધ રાખે છે તેવા વહેમ રાખી ચપ્પું વડે હુમલો કરતાં ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વ્યારા ખસેડાયો હતો. જોકે ધમોડી રહેતાં મુકેશભાઈ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે અને ગામના વડ ફળિયામાં પત્ની અને એક સંતાન સાથે રહે છે તેમજ ગામના વડ ફળિયામાં જ રહેતાં અરુણભાઈ મહેન્દ્રભાઈ ગામીતને પોતાની પત્ની સાથે ફરિયાદી મુકેશભાઈ આડો સંબંધ ધરાવે છે. તેવો વહેમ રહેતો આવ્યો છે. જયારે ગત થોડા માસ પહેલાં પણ આ જ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી અને બબાલ થઈ હતી.
તે સમયે ગામમાં પંચ બેઠું હતું અને ફરિયાદી મુકેશને આરોપી અરુણની પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા કે બોલચાલ રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો તે અનુસાર મુકેશભાઈએ આરોપીની પત્ની સાથે બોલચાલ પણ બંધ કરી દીધી હતી. જોકે આમ છતાં અરુણ અને મુકેશ જ્યારે પણ ભેગા થતાં હતાં અરુણ તેને ધમકી આપ્યાં જ કરતો હતો. ગત તા.31મી એ મુકેશભાઈ પોતાના ખેતરેથી ખેતી કામ પૂર્ણ કરી સાંજના સમયે અન્ય બે યુવકો સાથે બાઈક લઈ ઘરે આવવા નીકળ્યાં હતા.
ત્યારે રસ્તામાં આવતી એક દુકાન પર ખરીદી કરવા રોકાયા હતાં. મુકેશભાઈ બાઈક પર બેઠા હતાં ત્યારે અચાનક પાછળથી આરોપી અરુણ ગામીત હાથમાં ચપ્પુ લઈ ત્યાં ધસી આવ્યો હતો અને ગાળા ગાળી કરી આજે તને છોડવાનો નથી એમ કહી હાથમાં રહેલ ચપ્પું વડે ફરિયાદી મુકેશભાઈ ગામીતને કમરના ડાબી ભાગે, ગળાની પાછળ અને ડાબા હાથમાં ચપ્પુંના ઘા મારતાં તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતાં.
ત્યારબાદ આરોપી અરુણ જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ હુમલાના બનાવ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવી હુમલાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત બનેલા મુકેશભાઈ ગામીતને 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે અરુણ મહેન્દ્ર ગામીત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500