Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરમાં પડી ગયેલા અઢી વર્ષનાં બાળકને આર્મીની ટીમે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

  • June 09, 2022 

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા તાલુકાનાં દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને ધ્રાંગધ્રા આર્મીની ટીમે 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો. જોકે રાત્રે સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાનાં દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.



જોકે તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આ માસૂમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.



ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું હતું. જ્યાં ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં ડોક્ટરોએ જણાવ્યું છે. બાળક શિવમના પિતા મુન્નાભાઇએ જણાવ્યું હતું કે, અમે અહી 20 દિવસ પહેલાં વાડીએ કામ કરવા આવ્યા હતા.



હું વાડીમાં મજૂરીકામ કરી રહ્યો હતો. મારી પત્ની રસોઇ બનાવી રહી હતી અને મારો દીકરો શિવમ બહાર રમી રહ્યો હતો અને રમતાં રમતાં તે ઊંડા બોરવેલમાં પડી જતાં એનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. મેં ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. બાદમાં આર્મી સહિતનાં લોકો આવી જતાં મારા બાળકને નવું જીવન મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application