Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : જુના ઝઘડાની અદાવતમાં યુવકને સરેઆમ ચપ્પુનાં ઘા’થી રહેંસી નાંખી મોતને ઘાટ ઉતારી બે ઈસમો ફરાર

  • February 09, 2023 

સુરતનાં વરાછા કમલપાર્ક સોસાયટીમાં રાત્રે જુના ઝઘડાની અદાવતમાં છૂટક સાડીનો ધંધો કરતા મૂળ રાજકોટનાં યુવકને સરેઆમ ચપ્પુનાં નવ ઘા મારી રહેંસી નાંખી મોતને ઘાટ ઉતારી બે ઈસમો ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, મૂળ રાજકોટનાં જામકંડોરણાના ધોળીધારનો વતની અને સુરતમાં વરાછા માતાવાડી અર્ચના ભવનની બાજુમાં ઈશ્વરકૃપા સોસાયટી ઘર નં.55માં પત્ની નયના અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો.






જોકે ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યે કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. ખુશાલે ઈશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો ત્યારે જ બાઈક ઉપર પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી આવ્યા હતા અને કશું બોલ્યા વિના બાઈક પર બેસેલા ખુશાલના શરીરે પોતાની પાસેના ચપ્પાઓ વડે આડેધડ ઘા ઝીંક્યા હતા.






જયારે બનાવને લીધે લોકોનું ટોળું એકત્ર થતા બંને ફરાર થઈ ગયા હતા અને નજર સામે જ મિત્ર પર હુમલો થતા ગભરાયેલા કમલેશે મિત્ર કનુ પરમારને ફોન કરી બોલાવ્યો હતો. તેઓ ખુશાલને પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.





બનાવની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો. તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.તે ઝઘડાની અદાવતમાં જ ગતરાત્રે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો. બનાવ અંગે વરાછા પોલીસે નયનાની ફરિયાદનાં આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application