સુરતનાં કામરેજ તાલુકાનાં પરબ ગામની સીમમાં આવેલ યોગેશ્વર સોસાયટીની સામે આવેલ એક શેરડીનાં ખેતરમાંથી 334 કિલોથી વધુ ગાંજા સાથે બે આરોપી સાથે રૂપિયા 33.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફનાં માણસોને બાતમી મળી હતી કે, કામરેજનાં પરબ ગામે આવેલ યોગેશ્વર સોસાયટીની સામે આવેલ એક શેરડીનાં ખેતરની બાજુમાં રસ્તા ઉપર બે શંકાસ્પદ ઈસમો ગાંજા જથ્થા સાથે ઉભા છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ સ્થળ ઉપર દોરોડો પાડતા સંજય શ્રીદયારામ ગૌતમ (ઉ.વ.19., મૂળ રહે.ઉત્તર પ્રદેશ, હાલ રહે.અશ્વિનિકુમાર, કતારગામ, સુરત) તેમજ સુનિલ હરેન્દ્રકુમાર ગુપ્તા (ઉ.વ.26., રહે.મૂળ રહે.ઉત્તરપ્રદેશ, હાલ રહે.અશ્વિનીકુમાર રોડ, કતારગામ, સુરત)નાઓને ઝડપી લઈ તેમની પાસેથી પોલીસે સ્થળ ઉપરથી 334.740 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 33,47,400/- તેમજ 2 નંગ મોબાઈલ અને મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 33,79,400/- નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો અને માલ મંગાવનાર સુરતનાં વેડરોડ કતારગામ ખાતે રહેતા એમ.જે.પ્રધાનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500