સુરત શહેરનાં સીમાડા ચેક પોસ્ટ નજીક ચાર રસ્તા પાસેથી ટ્રાવેલ બેગમાં ગાંજાની હેરાફેરી કરી રહેલા ત્રણ ઓડીશાવાસીને સારોલી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો, જયારે ઓડીશાથી ગાંજો મોકલાવનાર અને મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, સારોલી પોલીસે બાતમીનાં આધારે સીમાડા ચેક પોસ્ટ નજીક ચાર રસ્તા પાસેથી ટ્રાવેલ બેગ લઇ પગપાળા જઇ રહેલા મનોજ ભાસ્કર બારીક (ઉ.વ.22), ચંદનકુમાર ત્રીનાથ લેન્કા (ઉ.વ.25) અને કાન્હુ સિબાપ્રસાદ દબેહરા (ઉ.વ.21, ત્રણેય રહે.સાહસપુર,બાનપુરા,જિ.ખુરદા, ઓડીશા) નાઓને ઝડપી પાડી તેમની ટ્રાવેલ બેગ ચેક કરી હતી.
જેમાંથી કુલ 15.375 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 1.53 લાખ, રોકડા રૂપિયા 440 અને 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ત્રણેય યુવકોની પૂછપરછમાં ગાંજાનો જથ્થો વતન ઓડીશાના ખુરદા જિલ્લાના કેશપુર ગામના સંતોષે મોકલાવી અને સુરતમાં રહેતા લીપન નારાયણ નાયક (મૂળ રહે. સાહસપુર,ખુરદા,ઓડીશા) નાંએ મંગાવ્યાની કબૂલાત કરી હતી. જયારે ગાંજાની હેરાફેરી કરતા પકડાયેલા ત્રણેય કડીયા કામ કરે છે અને તેઓ વતન ગયા હતા. જયાંથી પોતાની ટ્રાવેલ બેગમાં ગાંજાની હેરાફેરી કરવા માટે ત્રણેયનાં 3 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500