માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે પી.પી.સવાણી યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. યજ્ઞ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર આયોજિત દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિયરીંગ, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઈન્ટરિયર ડિઝાઈન અને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ૭ વિદ્યાશાખાના ૭૯૧ વિદ્યાર્થીઓને ડિગ્રી, ૨ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. તથા ૨૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ઓનલાઈન દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ-યુનિવર્સિટી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલએ સર્વ પ્રકારના દાનોમાં વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ છે. જે સીધુ જ માનવીનું નિર્માણ કરે છે. માનવ નિર્માણથી સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ પ્રશસ્ત થાય છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દિક્ષા અર્પણ કરી અંતમાં 'સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:'- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા ભારપૂર્વક જણાવ્યું હતુ.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં પી.પી. સવાણી યુનિવર્સિટીએ બહોળી નામના મેળવી છે, તે બદલ ટ્રસ્ટી મહેશભાઈ સવાણી અને સવાણી ગ્રુપના મોભી વલ્લભભાઈ સવાણીને અભિનંદન આપી યુનિવર્સિટી અભ્યાસના ક્ષેત્રમાં વધુને વધુ ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.પરાગ સંઘાણીએ યુવાધનને કારકિર્દી નિર્માણ માટે બહારના રાજ્યો કે વિદેશ સુધી જવું ના પડે તે માટેની અદ્યતન શિક્ષણ સુવિધા ઘર-આંગણે મળી છે એમ જણાવી યુનિ.ની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ અંગે વિગતો આપી હતી. સંઘાણીએ ઉમેર્યું કે, પી.પી.સવાણી યુનિવર્સિટીમાં વિદેશી સંસ્કૃતિને સ્થાને ભારતીય ૠષિમુનિઓની ગૌરવપૂર્ણ પરંપરા મુજબ સ્કીલ બેઝડ શિક્ષણ આપવામાં આવે છે. આ શૈક્ષણિક સોપાન આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે, જેમાં ભારત સહિત અન્ય ૧૫ દેશોના પાંચ હજારથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ દેશના ૧૬ રાજ્યોમાંથી આવેલા પ્રાધ્યાપકો અધ્યાપન કાર્ય કરાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500