ઉધના દરવાજાથી ઘરે જવા રિક્ષામાં બેસી નિકળેલ વૃદ્ધ દંપતીને રિક્ષા ચાલક અને તેના સાથીઓએ ચાલુ રિક્ષામાં મારમારી લૂંટી લીધા હતા. બનાવ અંગે વૃદ્ધે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની વિગત એવી છે કે, ગોપીપુરા સુભાષ ચોક સહસ્ત્ર ફેણઆ જૈન દેરાસરની ગલીમાં પાર્શ્વનાથ બિલ્ડિંગમાં રહેતા મહેન્દ્રભાઈ કાન્તીલાલ પારેખ (ઉ.વ.68) અગાઉ સોની કામ કરતા હતા અને હાલ સાડીમાં સ્ટોન ચોટાડી ગુજરાન ચલાવે છે. જોકે ગત તા.7 જાન્યુઆરીએ પત્ની સાથે નવસારી કુળદેવીનાં દર્શન કરવા માટે ગયા હતા અને સાંજે પરત ફરી રહ્યા હતા. તેઓ ઉધના દરવાજા ઉતરી સુભાષ ચોક જવા રિક્ષામાં બેસી નીકળ્યા હતા.
દરમિયાન રિક્ષામાં અગાઉથી સવાર અને ડ્રાઈવરની આજુબાજુ તેમજ પાછળની સીટ પર બેસેલા અજાણ્યાઓએ તેમને ચાલુ રિક્ષાએ મારમારી ‘કાકા તમારા ગજવામાં જેટલા પણ પૈસા હોય આપી દો નહીતર તમને મારી નાંખીશુ’ તેવી ધમકી આપી તેમનું પાકીટ ઝૂંટવી લઈ તેમાંથી રૂપિયા 12,500/- લૂંટી લીધા હતા. તેમજ ફોન પણ છીનવી લીધો હતો. જોકે, મોબાઈલ સાદો કિપેડ વાળો હોવાથી ગાળો આપી ‘આવો સાદો મોબાઈલ વાપરો છો’ તેમ કહી રિક્ષામાંથી મોબાઈલ ફોન પણ ફેંકી દીધો હતો. બાદ ડીકેએમ સર્કલ થઈ કોઈ મસ્જિદવાળી ગલીમાં સુમસાન જગ્યાએ ઉતારી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે વૃદ્ધે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application