બારડોલીનાં નવી કિકવાડ ગામેથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવામાં આવી હતી અને પોલીસને જોઈ કાર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 3,76,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, રવિવારનાં રોજ એલ.સી.બી શાખાના અધિકારીઓ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, એક સ્વીફટ કારમાં તેનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી મહુવા તરફથી આવે છે અને અલ્લુ બોરીયા થઇ વાકાનેર થઇ બારડોલી તરફ જનાર છે.
તેવી ચોકકસ બાતમી આધારે પોલીસની એક ટીમે બારડોલીના નવી કિકવાડ ગામે વાકાનેરથી બારડોલી તરફ જતા રોડ ઉપર સામે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર નંબર GJ/05/CK/8909 આવતા તેને રોકવા જતા આરોપી કારને રસ્તા વચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. આમ, પોલીસે કારમાં તપાસ કરતા કાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બીયરની બાટલી 624 નંગ બોટલ મળી આવી હતી. જોકે પોલીસે રૂપિયા 68,800/-ની કિંમતનો વિદેશી દારૂ તેમજ 3 લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા 3,76,800/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500