બારડોલીનાં મોતા ગામની સીમમાં રાયમ તરફ જતા માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં 40 વર્ષીય શખ્સને ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરતનાં બારડોલી તાલુકાનાં મોતા ગામે અકસ્માતની ઘટના બની હતી. મસાડ ગામે આવેલા પટેલ ફળિયામાં રહેતા 40 વર્ષીય નીતિન પટેલ કે જેઓ જોળવા ખાતે નોકરી કરે છે.
જોકે તેઓ સવારના પોતાની મોટરસાયકલ ઉપર સવાર થઈ ઘરેથી નીકળ્યા હતા અને રાયમ મોતા માર્ગે જઈ રહ્યા હતા. તે દરમિયાન મોતા ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે તેઓની મોટરસાયકલને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં યુવાન નીતિનને માથા, મોઢા તથા શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જયારે પરિવારજનોને જાણ થતા તેઓએ કરેલી તપાસ દરમિયાન નીતિન મોતા ગામની સીમમાં આવેલા સતિષ પટેલ નામના ખેડૂતના ખેતર પાસે રોડની કિનારા નજીક ખાડીના પાણીમાં મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળ્યો છે. તેની મોટરસાયકલ પણ રોડની બાજુમાં પડેલી મળી આવી હતી. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આમ, પોલીસે સ્થળ પર પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500