સુરત શહેરનાં અડાજણનાં આનંદ મહલ રોડ પર રહેતા બેંકના નિવૃત્ત વૃધ્ધ કર્મચારીને શેર બજારમાં રોકાણનાં નામે શરૂઆતમાં નફો અને ત્યારબાદ નુકશાન થયું છે એમ કહી માર્જીનનાં નામે કુલ રૂપિયા 32.65 લાખ પડાવી લેનાર અજાણ્યા ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમે ફરીયાદ નોંધી છે. જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે ભેજાબાજને પકડીને પૂછપરછ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, અડાજણનાં આનંદ મહલ રોડ સ્થિત કનક રો-હાઉસમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી રણજીત મંગુભાઇ બ્રાહ્રણીયા (ઉ.વ.67, મૂળ રહે.ખરવાણ,મહુવા,જિ.સુરત) પર બે મહિના અગાઉ અજાણ્યા નંબર પરથી રાજ પટેલના નામે કોલ આવ્યો હતો.
રાજ પટેલે શેર ટ્રેડીંગનો ધંધો સારો છે એમ કહી રોકાણની લાલચ આપી હતી. રણજીતભાઇનું શેરખાનમાં ડીમેટ એકાઉન્ટ હોવા છતા તેમાં બ્રોક્રેજ વધુ છે તમે ક્રિષ્ના શેઠને ત્યાં એકાઉન્ટ ખોલાવો અને તેની બ્રોક્રેજ માત્ર 1 ટકા છે એમ કહી રેફરન્સ માટે સાહીદભાઇ નામના એકાઉન્ટ ધારકનો નંબર આપી ઇન્કવાયરી કરવા કહ્યું હતું. નિવૃત્ત વૃધ્ધે ઇન્કવાયરી કર્યા બાદ અમદાવાદ ખાતે હેડ ઓફિસ ઘરાવતા ક્રિષ્ના શેઠને ત્યાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જોકે ક્રિષ્ના શેઠ દ્વારા રૂપિયા 5 લાખનું રોકાણ કરવા કહ્યું હતું.
પરંતુ રણજીતભાઇએ માત્ર રૂપિયા 40 હજારનું રોકાણ કરતા પ્રથમ દિવસે જ રૂપિયા 15 હજારનો નફો કરાવ્યો હતો. જેથી રણજીતભાઇએ બીજા દિવસે પુનઃ રૂપિયા 40 હજાર અને ત્યારબાદ રૂપિયા 3 લાખનું રોકાણ કર્યુ હતું. રૂપિયા 3 લાખના રોકાણમાં રૂપિયા 3.76 લાખનો નફો થયો છે તેવો મેસેજ કર્યો હતો પરંતુ તે રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા. ત્યારબાદ ક્રિષ્ના શેઠના બ્રોકરે ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડ કર્યો હતો પરંતુ રૂપિયા 41 લાખનું નુકશાન થયું છે.
તમારે માર્જીનના નામે રૂપિયા 2.40 લાખ અને ત્યારબાદ ઓનલાઇન અને આંગડીયા મારફતે ટુક્ડે-ટુક્ડે કુલ રૂપિયા 32.65 લાખ પડાવી લીધા હતા. રણજીતભાઇએ પોતાના ડીમેટ એકાઉન્ટના સ્ટેટમેન્ટની માંગણી કરતા તે પણ આપ્યું ન હતું અને ત્યારબાદ રાજ પટેલ, સાહિદ અને ક્રિષ્ના શેઠે મોબાઇલ બંધ કરી દીધો હતો. આ પ્રકરણમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે એક ભેજાબાજને પકડીને પૂછપરછ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500