સુરત શહેરનાં સિંગણપોર વિસ્તારમાં રહેતા અને ફર્નિચરની દુકાન ચલાવતા વેપારીએ બે યુવકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. અને રૂપિયાનું તેઓ દર મહિને 15 હજાર રૂપિયા વ્યાજ ચૂકવવા ઉપરાંત તેઓએ 3 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે ત્યાર બાદ પણ બંને વધુ 3.30 લાખ રૂપિયાની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા. જો પૈસા નહીં આપે તો તેની ફર્નિચરની દુકાને તાળું મારી દેવાની ધમકી આપતા હતા. જેથી આખરે ન છૂટકે વેપારીને ફાંસો ખાઈ આપઘાત કરવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે પોલીસે બંને યુવકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી મહિતી મુજબ, સિંગણપોર વિસ્તારમાં આવેલા તરણકુંડ રોડ પર વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ આંબલીયા ઘર પાસે જ નીલકંઠ એલ્યુમિનિયમ ફર્નિચર નામની દુકાન ધરાવતા હતા. જોકે તેઓને બે વર્ષ અગાઉ આર્થિક સંકડામણના કારણે પૈસાની જરૂર પડતા તેઓએ સંજયભાઈ અને પ્રવીણભાઈ પાસેથી પૈસા લીધા હતા. જેના બદલામાં દર મહિને 15 હજાર રૂપિયા વ્યાજ પણ ચૂકવતા હતા. વ્યાજ તથા અલગથી ત્રણ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા.
જોકે ત્યારબાદ પણ સંજય અને પ્રવીણ અવારનવાર વધુ પૈસા માટે તેને હેરાન પરેશાન કરતા હતા. જયારે સંજય અને પ્રવીણ ભેગા મળી પરેશભાઈ પાસે વધુ 3.30 લાખ રૂપિયાની માંગણી કરતા હતા અને જો પૈસા નહીં આપે તો તેની દુકાને તાળો મારી દેવાની ધમકી પણ આપી એલફેલ ગાળો ભાંડી હતી. જેથી આખરે ભોગ બનનાર પરેશભાઈએ કંટાળી જઈ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરેશભાઈનાં ભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય અને પ્રવીણ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500