બારડોલી-વિહાણ માર્ગ પર મોવાછી ગામની સીમમાં ઓવરટેક કરતી વખતે મોટરસાઇકલ સામેથી આવતી કાર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર યુવકનું મોત થયું હતું, જયારે તેની પત્નીને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બારડોલી તાલુકાનાં વરાડ ગામે વાણીયા ટેકરા ખાતે રહેતા મેહુલભાઈ ભુપેન્દ્રભાઈ ટેલર દ્વારા રૂરલ પોલીસ મથકે જણાવાયેલી માહિતી મુજબ તેઓ ડુંગર (ચીખલી) મુકામેથી વરાડ તરફ પોતાની વેગનઆર કાર નંબર GJ/19/A/5228માં જઈ રહ્યા હતા.
તે સમયે બારડોલી વિહાણ રોડ ઉપર આવેલ મોવાછી ગામની સીમમાં આવેલા ખરવાસા ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપ વચ્ચેના માર્ગ ઉપર સામેથી આવતી એક મોટરસાયકલ નંબર GJ/19/A/8808નાં ચાલક અલ્તાફ શબ્બીર ખટીક (ઉ.વ.38, રહે.શાહીન પાર્ક,બારડોલી) દ્વારા પોતાના માર્ગમાં ચાલતા શેરડી ખાલી ટ્રેક્ટરને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જે દરમિયાન પોતાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા વેગનઆર કારમાં ભટકાયો હતો.
જયારે બાઈક ચાલકને માથાના અને કપાળના ભાગમાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સાથે બેઠેલી તેની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. બારડોલીથી પોતાની મોટરસાયકલ ઉપર અંકલેશ્વર જવા નીકળેલા દંપતિને અકસ્માત નડતાં બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500