ત્રણેક વર્ષ પહેલાં ચોકબજાર પોલીસ મથકના હદમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વયની તરૂણીને લગ્નની લાલચે બળજબરીથી પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતનાં એડીશ્નલ સેશન્સ જજએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટનાં ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ અને દંડનો હુકમ કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોક બજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વય ધરાવતી તરૂણીને તા.8/9/2019નાં રોજ રાત્રે રૃમની ચાવી ન આપે તો તેના પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપી મૂળ બિહારના મુઝફફર પુરના વતની 23 વર્ષીય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે નનકી મોહમદ હુશેન શેખ (રહે.મદીના મસ્જિદની બાજુમાં,ફુલવાડી,ભરીમાતા રોડ) નાએ લગ્નની લાલચે તરૂણીને સુરત રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો.
પરંતુ અજમેર જવાની ટ્રેન ન હોઈ તરૂણીને પંડોળ સહયોગ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીના રૂમમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તરૂણીની માતાએ ચોકબજાર પોલીસમાં પોક્સો એકટનાં ભંગ બદલ ફરિયાદ નોંધાવતા આરોપીને જેલ ભેગો કરાયો હતો. જયારે કેસની અંતિમ સુનાવણીમાં સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ આરોપી વિરુધ્ધ મુખ્ય ત્રણ સાક્ષી ભોગ બનનાર, તેના માતા પિતા, બે તબીબી સાક્ષી, દશ પંચ સાક્ષીઓ, ચાર પોલીસ સાક્ષી સહિત કુલ 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
જેના આધારે કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગના ગુનામાં ઉપરોક્ત મહત્તમ 20 વર્ષની સખ્તકેદ તથા 20 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર તરૂણીને કોર્ટે આરોપી કુલ રૂપિયા 40 હજાર દંડ ભરે તો વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 1 લાખ સહિત 1.40 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500