સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ તાપી નદીના પાળા પાસે 3 કિલોથી વધુ ગાંજા સાથે મૂળ ઉત્તરપ્રદેશના બે યુવકને ચોકબજાર પોલીસે ઝડપી લીધા હતા. હાલ રાંદેર વિસ્તારમાં રહેતા બંને વતનમાં ગાંજાના છોડ આપમેળે ઉગી નીકળતા હોય છોડ તોડીને વેચવા સુરત લાવ્યા હતા.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મળેલ બાતમીના આધારે ચોકબજાર પોલીસે ફુલવાડી ભરીમાતા રોડ નહેરૂ નગર ઝુપડપટ્ટી તાપી નદીના કિનારે પાળા ઉપર એસ.એમ.સી લાઇટનાં થાંભલા નીચે ઝાડી ઝાંખરા પાસે વિમલના થેલા લઈ બેસેલા સતિષચંદ્ર મેવાલાલ ચમાર (ઉ.વ.46) અને અલોકકુમાર જ્ઞાનપ્રકાશ ઉર્ફે ગંગારામ ચમાર (ઉ.વ.20) (બંને રહે.ઘર નં.16, શીતલભાઇના મકાનમા, બ્યુ ફ્લેટ પાર્ક સોસાયટી, દીનદયાળ સોસાયટીની પાસે, રામનગર, રાંદેર, સુરત. મુળ રહે.ટીહર રામપુરા, તા.માધોગઢ, જિ.ઝાલોન, ઉત્તરપ્રદેશ)નાને ઝડપી પાડી તેમની પાસેના વિમલના થેલામાંથી રૂપિયા 32,980/-ની મત્તાના 3.298 કિલોગ્રામ ગાંજાના છોડ કબ્જે કર્યા હતા. પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સુરતમાં મજૂરીકામ કામ કરે છે અને વતનમાં ગાંજાના છોડ આપમેળે ઉગી નીકળતા હોય છોડ તોડીને વેચવા સુરત લાવ્યા હતા. ચોકબજાર પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500