કામરેજનાં વાવ ગામની સીમમાં બીએનબી સ્કૂલની સામે નેશનલ હાઇવે નંબર-48 પર અમદાવાદથી મુંબઇ જતા રોડ પર ક્રેન ચાલક વિજય વિનોદ પટેલ (રહે.વાંસદા હનુમાનબારી, તા.વાંસદા, જિ.નવસારી) અને ક્લીનર અરવિંદ જતરીયાભાઇ ગામીત (રહે.ચારણવાડા, તા.કામરેજ) ક્રેનને રોડની બાજુમાં ઉભી રાખી હાથ ધોઇ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલી મોટર સાઇકલ નંબર GJ/26/H/2675નાં ચાલકે પોતાનાં કબ્જાની મોટર સાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાનાં કબ્જાની બાઇકનાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઇ રોડની બાજુમાં ઉભેલી ક્રેનનાં ક્લિનર અરવિંદ ગામીતને અડફેટે લઇ લેતા ધડાકાભેર બાઇક સાથે અથડાયેલા અરવિંદભાઇ નીચે પટકાયા હતા.
સાથે સાથે બાઇક ચાલક પણ રોડ ઉપર પડી જતા અકસ્માતની ગંભીર ઘટનામાં ક્રેનનાં ક્લિનર અરવિંદ જતરીયાભાઇ ગામીત (ઉ.વ.27)નાં માથાનાં ભાગે તથા શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક મોહમ્મદ સાજીદ મોહમ્મદ સલીમ (ઉ.વ.25) જ્વેલર્સનો કારીગર (રહે. ભરૂચ, મુળ રહે.પશ્ચિમ બંગાળ)ને પણ ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતા લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ગંભીર ઘટનામાં બંને લોકોનાં મોતનાં પગલે કામરેજ પોલીસ બનાવનાં સ્થળે દોડી ગઇ હતી. ચાલક વિજયની ફરિયાદનાં આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500