બારડોલી ટાઉન પોલીસ મથક નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી મોટરસાયકલ પર આવેલા બે શખ્સો 20 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ લઈને નાસી છૂટયા હતા. જોકે નસીબજોગ ત્યાં હાજર એક યુવકે મોટરસાયકલનો પીછો કરતાં તેઓ રૂપિયા ભરેલી બેગ ફેંકી નાસી છૂટયા હતા. યુવકે બેગ બારડોલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બુધવારે મોડી સાંજે બારડોલી એક કાર ચાલક કાર લઈને બારડોલી પોલીસ મથક નજીક કામ અર્થે આવ્યો હતો. તેણે પોલીસ મથક નજીક કાર પાર્ક કરી હતી. કારમાં વિવિધ ચુકવણા માટે મુકેલ રૂપિયા 20 લાખ ભરેલી બેગ પણ મૂકી હતી. તે કારણે લોક કરી બહાર ગયો હતો તેવા સમયે અજાણ્યા શખ્સોએ કારનાં ડ્રાઈવર સાઈડનો કાચ તોડી રૂપિયા ભરેલી બેગ તફડંચી કરી મોટર સાયકલ ઉપર ભાગી છૂટયા હતા.
જયારે અજાણ્યા શખ્સોને ચોરી કરી ભાગતા જોતાં જ સ્થળ ઉપર હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાં ઉપસ્થિત બારડોલીનાં એક યુવક પોતાની મોટરસાયકલ ઉપર બાઈક સવાર ચોરનો પીછો કર્યો હતો. આશરે દોઢ કિલોમીટર દૂર આવેલી RTO કચેરી નજીકનાં માર્ગ ઉપર પીછો કરતા આદિલ મેમણની બૂમાબૂમથી ગભરાયેલા ચોરો રૂપિયા ભરેલી બેગ ફેંકી ભાગી ગયા હતા.
જોકે સમય સૂચકતા સાથે યુવકે પોતાના ગજવામાં મુકેલા મોબાઇલમાં વિડીયો શુટીંગ કરી લેતા તસ્કરોની મોટરસાયકલ યામાહા એફઝેડ કંપનીની GJ/01/MX/4526 જેવો હોવાનું જણાવ્યું હતું. આદિલ મેમણે બેગમાં મોટી માત્રાની રોકડ રકમ જોતા પૈસા ભરેલી બેગ બારડોલી પોલીસ મથકે જમા કરાવી દીધી હતી. આ કાર બારડોલી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500