સુરત શહેરનાં મોટા વરાછાથી કોસાડ તરફ જવાના રોડ પર ધોળે દિવસે બાઇક પર આવેલા બે ઈસમોએ ચપ્પુથી ઈજા કરી યુવકનાં ખિસ્સામાંથી રૂપિયા 2.70 લાખની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર, અમરોલીની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા 37 વર્ષીય ગૌરાંગ મુકેશ ટીટીયા (મૂળ,પીખોર,જિ.જુનાગઢ) ગત તા.21મી નવેમ્બરે સાંજે ઉત્રાણ સિલ્વર બિઝનેસ હબમાં શ્રીજી સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં લોકરમાંથી રૂપિયા 2.70 લાખની રોકડ રકમ કાઢી ઉત્રાણ આદિત્ય કોમ્પલેક્સમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ભરવા ગયા હતા.
જોકે, નિયત ક્રમ મુજબ બપોરના સમયગાળામાં બેંક બંધ થઈ જતા યુવકે પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 2.70 લાખની રકમ ખિસ્સામાં મુકી ત્યાંથી બાઇક પર ઘરે જવા રવાના થયા હતા. તે સમયે રસ્તામાં બે અજાણ્યા ઈસમો પહેલા પાછળથી તેઓની બાઇકને ટક્કર મારી બાદમાં ગાળાગાળી કરી બાઇકની ચાવી ફેકી ચપ્પુ જેવા ધારદાર હથિયારથી યુવકને હાથમાં ઈજા કરી ખિસ્સામાંથી 2.70 લાખની રકમ લૂંટ કરી ભાગી ગયા હતા. જયારે આ બનાવ મોટા વરાછાથી કોસાડ તરફ જતા વેણીનાથ ગરનાળા તરફ જતા અવાવરૂ રસ્તા પર સુરતી આમલેટની દુકાનથી થોડા અંતરે જ બની હતી. હાલમાં ઉત્રાણ પોલીસે લૂંટારૂ ટોળકીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી CCTV કેમેરાનાં આધારે તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500