સુરતનાં ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે રાત્રે ચાલવા નીકળેલા યુવકને ચપ્પુ ઘા મારી તેની પાસેથી મોબાઇલ ફોન લૂંટી જનાર બે આરોપીઓને સુરત LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગત તા.29મી ડિસેમ્બર 2022ના રોજ ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે આવેલી શુભ રેસિડેન્સીમાં રહેતો અક્ષર રમેશ કાકડિયા રાત્રે દસ વાગ્યાની આસપાસ સોસાયટીની બહાર ચાલવા નીકળ્યો હતો. તે સમયે એક મોટર સાઇકલ પર આવેલા ત્રણ ઇસમો પૈકી બે અજાણ્યા ઇસમોએ તેરે પાસ જો કુછ ભી હૈ ફોન પાકીટ કુછ ભી હૈ વો મુજે દેદો. એમ કહી અક્ષરનો કોલર પકડી લીધો હતો. અને બીજા ઇસમે પકડી ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફોન કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ અક્ષરે છૂટવાનો પ્રયાસ કરતાં ઢીકમુક્કીનો માર મારી ચાકુથી ઉપરાછાપરી 6થી સાત ઘા મારી દીધા હતા અને 13 હજારની કિંમતનો મોબાઇલ ફોન લઈને ત્રણેય ઇસમો મોટરસાઇકલ પર નાસી છૂટ્યા હતા. આ અંગે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે તપાસ કરી રહેલી સુરત LCBની ટીમને મંગળવારના રોજ બાતમી મળી હતી કે, ઉમરા ગામે શુભ રેસિડેન્સીની બહાર ચાલી રહેલા યુવકને ચપ્પુના ઘા મારી મોબાઇલની લૂંટ કરનાર ઇસમો પૈકી રાજેશ અને કિશન નામના બે ઇસમો કઠોર ગામ નજીક રંગોલી ચોકડી પર ઊભા છે.
જે બાતમીના આધારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. ઝડતી દરમ્યાન તેમની પાસેથી ચપ્પુ મળી આવતા પોલીસે કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં તેમણે ઉપરોક્ત ગુનોની કબૂલાત કરી હતી. પોલસે રાજેશ સિંગબાબુ પાત્ર (રહે.હીરાબાગ, વરાછા, સુરત, મૂળ રહે ગંજામ ઓડીસા), કિશન મેઘજી રૂપાપરા(રહે.શ્વિ રેસિડેન્સી ઉમરાગામ, ઓલપાડ, મૂળ રહે તલાલા, જી. સોમનાથ) નાઓની ધરપકડ કરી હતી. જ્યારે ગૌતમ ઉર્ફે ટકો (રહે.વરાછા, વિશાલનગર, સુરત) અને મયુર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે તેમની પાસેથી એક મોટર સાઇકલ, એક મોબાઇલ ફોન અને ચપ્પુ મળી કુલ 43 હજાર 250 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500