સુરતનાં પલસાણા તાલુકાનાં એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં બે ઇસમોએ પોતે પોલીસની ઓળખ આપી જબરજસ્તી કારમાં મહિલાને બેસાડી જઇ સૂમસામ જગ્યા પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને ગણતરીનાં કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણાના એક ગામની 34 વર્ષીય મહિલાનાં પતિ અને પુત્રનું અવસાન થતાં તે હાલ પોતાની પુત્રી સાથે રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે.
જોકે તે સોમવારનાં રોજ સાંજે 6 વાગ્યે મહિલાનાં મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને સામે વાળી વ્યક્તિએ પોલીસવાળા તરીકે ઓળખ આપી હતી અને ‘તારા ઘરમાં તું અને તારી છોકરી બંને એકલા રહો છો અને તું ધંધો કરે છે તેની મને ખબર છે’ એમ કહી ધમકી આપી હતી. મહિલાને ધમકાવી ફળિયાની સામેના રોડ પર બોલાવી હતી અને ગભરાઇ ગયેલી મહિલા રોડ પર જતા કાર ચાલક યુવકે કાર નહેર વાળા રસ્તે હંકારી જઈ સૂમસામ રસ્તા પર ઊભી રાખી હતી અને તેણી સાથે જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો.
બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ કડોદરા GIDC પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. કડોદરા પોલીસ હરકતમાં આવી હતી અને કામરેજના ઉભેળ ગામનાં કલ્પેશ કોળી પટેલ તેમજ ધોરણ પારડી ગામના મનીષ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીઓના શરીર પરથી જરૂરી નમૂનાઓ મેળવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500