સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણનાં અમિત ફાર્મ હાઉસ પાસે બનેલી લૂંટની ઘટનાનો ભેદ કડોદરા GIDC પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓને પકડી તેમની પાસેથી રૂપિયા 1,47,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.2 જુલાઈનાં રોજ રાત્રે 9 વાગ્યે ચલથાણના લક્ષ્મી નગરમાં રહેતા મંટુકુમાર ધીરાલાલ સિંગ (ઉ.વ.33, મૂળ રહે આરાભોજપુર, બિહાર) તાંતીથૈયા ગામે આવેલી ક્ષમતા સિલ્ક મિલમાં નોકરી પર જવા નીકળ્યો હતો.
તે સમયે તાંતીથૈયા ચલથાણ રોડ પર અમિત ફાર્મ હાઉસ પાસે બે મોટરસાયકલ પર આવેલા ચાર ઇસમોએ ચપ્પુ બતાવી, ‘તેરે પાસે મોબાઇલ ઔર પૈસે જો બી હો વો જલ્દી દે દો’ એમ કહી ઝપાઝપી કરી હતી અને મંટુને પગના ભાગે ચપ્પુ મારી તેની પાસેથી મોબાઇલ ફોન કિંમત રૂપિયા 11,800/- રોકડા રૂપિયા 6 હજાર મળી કુલ રૂપિયા 17,800/-ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
જોકે આ ગુનાની તપાસ કરી રહેલી કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉપરોક્ત લૂંટ કરનાર ત્રણ ઇસમો ભેગા મળીને કડોદરા મરઘાં ફાર્મ જતાં રોડ પર આવેલ ચાની લારી પાસે મોટરસાયકલ પાર્ક કરીને બેસેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તેમને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે પૂછપરછમાં તેમણે તેમના નામ રૂપેશકુમાર ઉર્ફે ગોલું શિવશંકર સિંહ (હાલ રહે.બાલાજીનગર, કડોદરા, મૂળ રહે.બિહાર), અભિષેક સિકંદર રજક (રહે.ભગવતી નગર, પાંડેસરા, સુરત, મૂળ રહે.બિહાર) અને આકાશ ઉર્ફે નન્નુ રાજુ સોની (રહે.અપેક્ષા નગર, પાંડેસરા, સુરત, મૂળ રહે.ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યુ હતું.
જ્યારે અન્ય એક આરોપી બિટ્ટુ ઉર્ફે વિકાસ મૌર્ય (રહે.પાંડેસરા, સુરત)નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 3 હજાર, લૂંટી લીધેલ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 11,800/- અંગ ઝડતીમાંથી મળેલ બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 8 હજાર, બે મોટરસાયકલ કિનમાં રૂપિયા 1.25 લાખ મળી કુલ રૂપિયા 1,47,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500