સુરત ગ્રામ્યની ઓલપાડ પોલીસ દ્વારા દેલાડ ચેક પોસ્ટ નજીકથી એક મોટરસાયકલ પર આવેલા ત્રણ ઇસમો પાસેથી બે દેશી હાથ બનાવટના તમંચા અને આઠ જીવતા કારતૂસ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ઓલપાડ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મોટરસાયકલ પર ત્રણ ઇસમો સાયણથી દેલાડ પાટિયા થઈ દેલાડ ગામ તરફ જવાના છે તેમની પાસે તમંચા જેવા હથિયાર છે.
જે બાતમીનાં આધારે પોલીસે દેલાડ ચાર રસ્તા નજીક ચેક પોસ્ટ પર વોચ ગોઠવતા બાતમી મુજબના વર્ણન વાળા ઇસમો આવતા પોલીસે સ્વદેશકુમાર ઉર્ફે શીલુ રમાશંકર મૌર્ય, મયંક ચિંતામણિ ઉર્ફે હરીશંકર તિવારી અને સુરેન્દ્ર ઉર્ફે મોનું રાજકુમાર મૌર્યની અટક કરી તપાસ કરતાં તેમની પાસેથી 2 તમંચા કિંમત રૂપિયા 20 હજાર તથા 8 જીવતા કારતૂસ કિંમત રૂપિયા 800 મળી આવ્યા હતા.
વધુમાં પોલીસે તેમની પાસેથી 3 નંગ મોબાઇલ કિંમત રૂપિયા 10,500/-, એક મોટર સાયકલ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 81,300/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ મુખ્ય આરોપી સ્વદેશ કુમાર ઉર્ફે શીલું રમાશંકર મૌર્ય વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં 12 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500