બારડોલીનાં તેન ગામની સનસિટી સોસાયટીમાં ગતરોજ મળસ્કે તસ્કરોએ પાંચ જેટલા મકાન અને દેરાસરને નિશાન બનાવ્યા હતા. જોકે તસ્કરો દેરાસરમાંથી દાનપેટી ઉઠાવી ગયા હતા અને આ સમગ્ર ઘટના સોસાયટીનાં CCTVમાં કેદ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં તેન ગામની સનસિટી સોસાયટીમાં આવેલા પાંચ મકાનો પૈકી D/141, D/72, D/56, D/15 અને E/15 નંબરનાં મકાનોને નિશાન બનાવ્યા હતા. જયારે ચોરોને એક પણ મકાનમાંથી કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો.
આ ઉપરાંત તસ્કરોએ સોસાયટીમાં આવેલ જિનાલયને પણ નિશાન બનાવ્યું હતું અને જિનાલયમાંથી દાન પેટીની ચોરી કરી ગયા હતા. તેમજ મકાન નંબર D/56 નંબરના મકાનમાં રહેતા ભાવેશભાઈ કેવરચંદ શાહ તેમની પત્ની અને બે બાળકો સાથે રાત્રે ઉપરના માળે સૂતેલા હતા.
તે દરમિયાન ઘરમાં ઘૂસી નીચેના બે રૂમમાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જોકે પરિવાર જે રૂમમાં સૂતો હતો તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી ચોર નાસી છૂટ્યા હતા. સવારે પરિવારજનો ઉઠ્યા ત્યારે દરવાજો ન ખૂલતાં પાડોશીને ફોન કરી ખોલાવ્યું હતું. આ ઉપરાંત E/15 નંબરના બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું. જોકે કોઈ મકાનમાંથી તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું. વધુમાં ગત અઠવાડીયા પહેલા પણ સોસાયટીનાં એક મકાનને નિશાન બનાવ્યું હતું. જયારે વારંવાર થતી ચોરીને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500