સુરતનાં ભાટપોર ખાનગી યુનિવર્સિટીનાં ગાર્ડનમાં રહેતા શ્રમજીવી પરિવારનાં સગીર વયનાં પુત્રએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જયારે વતનમાં ધોરણ-9માં અભ્યાસ કરતા સગીરે વતનમાં જવાનું અને નવા કપડાં લઈ આપવા કહ્યું હતું. પરંતુ પિતાએ પગાર આવ્યા બાદ લઈ આપવાનું કહેતા સગીરે પગલું ભરી લીધું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દાહોદનાં વતની અને ભાટપોરમાં આવેલી ખાનગી યુનિવર્સિટીનાં ગાર્ડનમાં કામ કરતાં અને ત્યાંજ રહેતા શાંતિલાલ ડીંડોરના 14 વર્ષિય પુત્ર મનિષે ગતરોજ સવારે ઘરે લોખંડનાં સળિયા સાથે વાયર બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મનીષ વતનમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. હાલ વેકેશનમાં સુરત પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો. સ્કૂલ શરૂ થતાં મનિષે પિતાને વતનમાં જવાનું અને નવા કપડાં લઈ આપવાનું કહ્યું હતું. જોકે પિતાએ પગાર આવ્યા બાદ ખરીદી કરીને વતનમાં જવા કહ્યું હતું.
જેથી માઠું લાગી આવતા મનીષે આપઘાતનું પગલું ભરી લીધું હતું. મનિષે તેની હથેળીમાં લાલ અક્ષરથી કઈ લખ્યું હતું જે ભૂસાઈ ગયું હોવાથી સ્પષ્ટ વંચાતું ન હતું. બનાવ અંગે કઠલાલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500