સુરતનાં ગોડાદરા વિસ્તારનાં નારીયેળનાં હોલસેલ વેપારીએ સસ્તામાં સોનું ખરીદવાની લાલચમાં રૂપિયા 3 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં એક છૂટક વેપારી મારફતે ખોદકામ કરતા સોનું મળ્યું છે કહી બે ગઠીયા અસલી સોનાનાં ત્રણ મણકાં આપી વિશ્વાસ કેળવી બાદમાં પૈસા લઈ નકલી સોનાની 8 ચેઈન આપી ફરાર થઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ગોડાદરા રોડ માનસરોવર સોસાયટી મકાન નં.334 બ્લોક/Bમાં રહેતો 26 વર્ષીય આનંદ સ્વરૂપસીંગ શ્રીપ્રકાશસિંગ ઠાકુર નારીયેળનો હોલસેલ વેપાર કરે છે.
જોકે તેની પાસેથી નારીયેળ ખરીદતા અને સુદામા ચોક પાસે વેચતા રમેશ યાદવ પાસે તે ગત તા.18 જૂનનાં રોજ પેમેન્ટ લેવા ગયો હતો ત્યારે રમેશે કહ્યું હતું કે, તેની પાસે બે ભાઈ આવ્યા હતા અને ખોદકામ કરતા સોનું મળ્યું છે, સસ્તામાં વેચવાનું છે જો કોઈને લેવું હોય તો વાત કરવા કહ્યું છે. આનંદ સ્વરૂપસીંગે સોનું જોઈને ખરીદવાની વાત કરતા રમેશે બંનેએ આપેલા સોનાના ત્રણ મણકાં ઘરે હોય આનંદ સ્વરૂપસીંગને પોતાના ઉત્રાણ વીઆઈપી સર્કલ સ્થિત ઘરે લઈ જઈ મણકાં આપ્યા હતા.
આનંદ સ્વરૂપસીંગે તે મણકાં વરાછા માતા વાડીની લેબમાં ચેક કરાવતા તે સાચા હોય રમેશને ફોન કરી કેટલું સોનું છે તે પૂછવા કહેતા બંનેએ 300 ગ્રામ સોનું રૂપિયા 3 લાખમાં આપવાની વાત કરી હતી. આથી તા.20 જૂનનાં રોજ આનંદ સ્વરૂપસીંગ પૈસા લઈને રમેશના ઘરે ગયો હતો. ત્યાં 50 થી 55 વર્ષનો એક વ્યક્તિ અને 30 થી 35 વર્ષનો યુવાન આવ્યા હતા. આનંદ સ્વરૂપસીંગે તેમને રૂપિયા 3 લાખ આપતા તે સોનાની 8 ચેઈન આપી તરત ત્યાંથી ચાલ્યા ગયા હતા. આનંદ સ્વરૂપસીંગે ચેઈન વરાછાની લેબમાં ચેક કરાવી તો તમામ નકલી હતી.
આથી રમેશ મારફતે તે બે વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી ફોન કર્યો તો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો જોકે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે આનંદ સ્વરૂપસીંગે પોલીસમાં અરજી કર્યા બાદ અમરોલી પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આમ, પોલીસે આ ગુનામાં બે ઈસમો પૈકી એક મોહનભાઈ ગંગારામભાઈ પરમાર (ઉ.વ.58, રહે. ઘર નં.એ/52, કલ્પનાનગર સોસાયટી, દ્વારકેશ નગર સોસાયટીની બાજુમાં, નીલગીરી ગોડાદરા રોડ, લીંબાયત, સુરત ) નાની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા 3 લાખ કબ્જે કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500