Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા 2.35 કરોડની છેતરપિંડી કરનાર ત્રણ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • January 11, 2024 

સુરતના સહારા દરવાજા તિરૂપતિ સ્કવેરમાં જમીન લે-વેચ અને ટેક્ષટાઈલનો વેપાર કરતા વીઆઈપી રોડના પ્રૌઢ વેપારીની પત્ની અને સંબંધીઓને બેંકે ટાંચમાં લીધેલી કેમિકલ ફેક્ટરી સસ્તામાં ખરીદી બારોબાર કરેલા સોદામાં નફો આપવાનું કહી પૈસા લીધા બાદ અંકલેશ્વરના વેપારીએ તે રકમ વાપરી નાંખી રૂપિયા 2.35 કરોડની ઠગાઈ કરતા સલાબતપુરા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને સુરતના અલથાણ વીઆઈપી રોડ શ્યામ બાબા મંદિર પાસે સ્વીમ પેલેસ ફ્લેટ નં.એ/401માં રહેતા 58 વર્ષીય નિર્મલકુમાર નથમલ જૈન સહરા દરવાજા તિરૂપતિ સ્કવેર શોપીંગ ઓફીસ નં.301-302માં નિર્મલ કોર્પોરેશન અને રજત સિલ્ક મિલ્સના નામે જમીન લે-વેચ અને ટેક્ષટાઈલનો વેપાર કરે છે. તેમના પત્ની મધુબેન રીંગરોડ ટેક્ષટાઈલ માર્કેટમાં મધુ એજન્સીના નામે ટેક્ષટાઈલ દલાલીનું કામ કરે છે. જેનો વહીવટ નિર્મલભાઈ જ કરે છે. વર્ષ 2019માં તેમની મુલાકાત હસ્તીસિંઘ નારાયણસીઘ રાજપુરોહિત (ઉ.વ.31) સાથે થઈ હતી. હસ્તીસિંઘે પોતે ભરૂચ અને અંકલેશ્વરમાં જય ભવાની સ્વીટના નામે મીઠાઈની દુકાન ધરાવતા હોવાનું અને વડોદરા મકરપુરા એરફોર્સ સ્ટેશન સામે જીઆઇડીસી ખાતે અલ્ધીયમ મોર્ટસ પ્રા.લીના એડીશનલ ડીરેકટર હોવાનું પણ જણાવ્યું હતું.



હસ્તીસિંઘે પોતે જમીન લે-વેચનું પણ કામ કરોડોમાં કરતા હોવાનું કહી બેંકના મેનેજરો સાથે ઘરેલુ સંબંધ હોય બેંકે ટાંચમાં લીધેલી મિલ્કત સસ્તી મળે છે તેવું કહ્યું હતું. તેણે અંકલેશ્વર મેઈન હાઇવે પાસે યુપીએલ કંપનીની બાજુમાં આવી જ ટાંચમાં લીધેલી કેમિકલ ફેક્ટરી સસ્તામાં ખરીદી બારોબાર કરેલા સોદામાં નફો આપવાનું કહી નિર્મલભાઈના પત્ની મધુબેન, તેમના સંબંધી રાજસ્થાન ઇન્ટરનેશનલના માલિક અશોકકુમાર જૈન, નિર્મલભાઈના પિતરાઈ ભાઈ જેતપુર સારી હાઉસના માલિક દાનમલ જૈન પાસેથી પૈસા લીધા હતા. જોકે, હકીકતમાં નિર્મલભાઈના પત્ની અને સંબંધીઓને ખોટી વાત કરીઆ પૈસા મેળવી તેમણે વાપરી નાંખ્યા હતા અને જયારે મધુબેને પૈસા માંગ્યા ત્યારે પૈસા નહીં આપી તેની લેખિત કબૂલાત પણ કરી હતી. આમ ત્રણેય પાસેથી લીધેલી રૂપિયા 1.01 કરોડ મુદ્દલ અને તેના નફા પેટના રૂપિયા 1,34,46,268/- મળી કુલ રૂપિયા 2,35,46,268 નહીં ચૂકવી ઠગાઈ કરનાર હસ્તીસિંઘ વિરુદ્ધ નિર્મલભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application