સુરત ગ્રામ્યની કોસંબા પોલીસની ટીમે ગત દિવસો દરમિયાન બનેલ લૂંટની બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખી આ ગુનાનાં ત્રણ આરોપીને ઝડપી તેમની પાસેથી 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક પાસેથી 16 હજાર રૂપિયા રોકડા અને અન્ય એક ગુનામાં એક મોબાઇલ ફોન અને 2500 રૂપિયા રોકડાની લૂટ થઈ હતી.
આ અંગે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેથી પોલીસે શોધખોળ કરતા બાતમના આધારે આ ગુનામાં ત્રણ આરોપીઓ સુફિયાન ઐયુબ વરાછિયા (રહે.જૂના કોસંબા,માંગરોળ), અભય ઉર્ફે અભિ નટવર ગોમાન પરમાર (રહે.તરસાડી,સંજય નગર,માંગરોળ) અને નિતેશ ઉર્ફે બોડીગાર્ડ સતિશ વસાવા (રહે.સામરપાડા. તા.ડેડીયાપાડા, જિ.નર્મદા, મૂળ રહે તરસાડી, સંજય નગર) નાની ધરપકડ કરી હતી.
જ્યારે રાહુલ ઉર્ફે ટામેટો રાજૂ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 10,500/-, 1 નંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 અને એક એક્ટિવા મોપેડ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ 65,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે પકડાયેલા સુફિયાન ઐયુબ વિરુદ્ધ કોસંબા, ભરુચ અને સુરત સિટી સહિત કુલ 8 ગુના, અભય ઉર્ફે અભિ વિરુદ્ધ બે ગુના, રાહુલ ઉર્ફે ટામેટો સામે બે ગુના અને નિતેશ સામે એક ગુનો નોંધાયેલો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500