બારડોલીનાં તેન ગામે આવેલી ચાણક્યપૂરી સોસાયટીમાં પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બે પરિવાર વચ્ચે છૂટાહાથની મારમારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે આ મારમારી દરમ્યાન બંને પરિવારના મળી 6 લોકોને ઇજા થતાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે બંને પરિવારની સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલીના તેન ગામની ચાણક્યપૂરી સોસાયટીમાં 2016 પહેલા અને હાલ સચિન રાજભિષેક હોમ્સ બિલ્ડીંગમાં રહેતી હિનાબેન સુરેશભાઇ સોલંકીનાં પતિ 2014થી હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે.
જોકે પતિ જેલમાં હોય સાંત્વના આપવાને બહાને ચાણક્યપૂરી સોસાયટીમાં પાડોશમાં જ રહેતો દિપક કાલિદાસ સોલંકીએ તેણી સાથે પ્રેમસંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વાતની જાણ થતાં જ હિનાબેન પરિવાર સાથે સચિન રહેવા જતાં રહી હતી. ત્યારે હિનાબેન સચિન ખાતે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. એપ્રિલ માસથી દિપક પણ હિના જ્યાં નોકરી કરે છે ત્યાં જ નોકરી કરવા ગયો હતો. દિપક હિનાને હેરાન કરવા કંપનીમાં આંટાફેરા કરતો હોય શુક્રવારે સાંજે હિનાએ તેની નાની બેન સોનાને આ અંગે જાણ કરી હતી.
જેથી સોના અને તેની મોટી બેન વિનિતાએ આ બાબતે દિપકની પત્ની પ્રીતિને ટેલિફોનિક જાણ કરતાં પ્રીતિ તેમની સાથે ગાળાગાળી કરવા લાગી હતી. ત્યારબાદ રાત્રે હિનાનો પુત્ર યાજ્ઞિક, વનિતા, સોના સાથે તેના પિતા નાગજીભાઈ ભગાભાઈ સોલંકી અને માતા નિરૂબેન ચાણક્યપૂરી સોસાયટીમાં ગયા હતા. ત્યાં દિપકની પત્ની પ્રીતિ તેમજ પુત્ર ચિરાગ સાથે વાતચીત કરી નાગજીભાઈના ઘરે બેઠા હતા. તે સમયે દિપક, તેની પત્ની પ્રીતિ અને પુત્ર ચિરાગ ઉશ્કેરાય ગયા હતા અને બંને પક્ષો વચ્ચે મારમારી થઈ હતી. તેમજ આ મારમારીમાં વનિતાને માથાના ભાગે, સોનાને જમણા હાથની આંગળી પર ઇજા થઈ હતી. વચ્ચે પડેલા નાગજીભાઈ અને નિરૂબેનને પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો.
બીજી તરફ સામે પક્ષે દીપકનાં પુત્ર ચિરાગ, પત્ની પ્રીતિ અને દિપકને પણ મારમારીમાં ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિપકભાઈએ નિરૂબેન નાગજીભાઈ સોલંકી, સોનલબેન દલપતભાઈ સોલંકી, વનિતાબેન મહેશભાઇ સોલંકી, હિમાંશુ મહેશ સોલંકી અને યાજ્ઞિક સુરેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યારે યાજ્ઞિકે દિપક કાલિદાસ સોલંકી, ચિરાગ દિપક સોલંકી અને પ્રીતિ દિપક સોલંકી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500