સુરતનાં કામરેજ તાલુકાનાં મોરથાણા ગામ નજીક મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી. જયારે સુરતનાં યુવકે પરબ ગામનાં એક યુવક સાથે કાર ઓવરટેક કરવા મામલે બબાલ કરી હતી. તે દરમિયાન છોડાવવા માટે વચ્ચે પડેલા યુવકને પીઠનાં ભાગે ચપ્પુનો ઘા મારતા ઇજાગ્રસ્ત યુવકને બારડોલીની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં મોરથાણા ગામની સીમમાં કાર ઓવરટેક મામલે બબાલ થઈ હતી.
જેમાં સુરતનાં ચાર જેટલા સૌરાષ્ટ્ વાસી યુવકો કારમાં સવાર થઈ કામરેજનાં મોરથાણ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતાં. તે પરબ ગામનાં કાર ચાલક યુવક સાથે ઓવરટેક મામલે માથાકુટ થઈ હતી અને બબાલ ઉગ્ર બની હતી. તે દરમિયાન મોરથાણા ગામનાં પીપળા ફળિયાનો 38 વર્ષીય યુવક નિલેશ ગમનભાઈ પટેલ બબાલમાં વચ્ચે પડી છોડાવા માટે ગયા હતાં.
તે સમયે ચાર યુવાનો પૈકી એકે નિલેશ પટેલ પર હુમલો કર્યો હતો અને પીઠનાં ભાગે ચપ્પુનાં ઘા માર્યા હતા. સ્થાનિકોએ હુમલો કરનાર ચાર યુવાનો પૈકી એકને પકડી પાડ્યો હતો જેને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકને ગંભીર ઈજાઓ સાથે બારડોલીનાં ઉમરાખ ગામે આવેલ ટેક્સાસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500