કામરેજની એક સોસાયટીમાં ઘર બંધ કરી પરિવાર વતનમાં ગયોને તસ્કરો નકુચો તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 62,200/-ની ચોરી કરી નાસી છુટયા હતા. આજ સોસાયટીના બીજા એક મકાનમાં પણ એક જ રાત્રિએ ચોરી થઈ હતી. એક જ સોસાયટીમાં બે ઘરમાં ચોરીની આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી. મળતી માહિતી મુજબ, મુળ અમરેલી જિલ્લાના પીપરીયા ગામના વતની અને હાલ કામરેજના કેનાલ રોડ પર આવેલી શાલીગ્રામ સોસાયટીમાં મકાન નંબર-50માં કલ્પેશ હરીભાઈ માલવીયા રહીને સુરત ડાયમંડ પાર્ટસની દુકાન ચલાવે છે.
જોકે ગત તારીખ 11મી નવેમ્બરના રોજ ઘર બંધ કરી વતનમાં ગયા હતા. જયારે 23મી નવેમ્બરના રોજ સોસાયટીમાં રહેતા વિજય ઠુમ્મરે ફોન કરીને ઘરના દરવાજાનો લોક તુટેલી હાલતમાં જોતા જણાવતા ત્રણ દિવસ અગાઉ વતનમાંથી આવીને ઘરમાં જોતા બેડરૂમમાં મુકેલા કબાટનો લોક તુટેલી હાલતમાં હતો. જયારે કબાટના લોકરમાં મુકેલા સોના ચાંદીનાના દાગીનામાં સોનાનું પેન્ડલ, સોનાની કડી, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકળા, ચાંદીનું બ્રેસલેટ, ચાંદીની કડલી, ચાંદીના નજરીયા મળી કુલ્લે 32,500/-ની ચોરી થઈ હતી. સોસાયટીમાં મકાન નંબર-28માં રહેતા દિલીપભાઈ વિનુભાઈ ભાયાણીના મકાનમાં પણ બેડરૂમમાં મુકેલા કબાટમાંથી સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, ચાંદીની ઝાંઝરી મળી કુલ રૂપિયા 29,800/-ની ચોરી કરી ગયા હતા. અજાણ્યા તસ્કરો બંને મકાનોમાં મળી કુલ્લે રૂપિયા 62,200/-ની ચોરી કરી નાસી છુટયા હતા. ચોરી અંગે કામરેજ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500