બારડોલી તાલુકાનાં ખરવાસા ગામ નજીક ઉભેલા ટેમ્પોની પાછળ બાઈક અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું. જયારે રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ યુવક બહેનને મળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં નગોડ ગામે રહેતો વિપુલ મોહનભાઇ પરમાર (ઉ.વ.27) ગંગાધરા ખાતે આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરતો હતો.
જોકે બુધવારે રાત્રે નોકરી પરથી પરત ફર્યા બાદ બાબેન રહેતી પોતાની બહેનને મળવા ગયો હતો અને બહેનને મળીને રાત્રીના 11 વાગ્યાની આસપાસ તે નગોડ જવા નીકળ્યો હતો. તે સમયે ખરવાસા ગામની સીમમાં રસ્તા પર ઉભેલા ટેમ્પોમાં રિફ્લેટર કે લાઈટ લગાવેલ ન હોય વિપુલને ટેમ્પો દેખાય શક્યો ન હતો અને તેની બાઈક ટેમ્પોની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં વિપુલને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જોકે મોડી રાત્રે પોલીસ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે વિપુલની લાશ રોડ પર પડેલી જોતા પરિવારજનોને જાણ કરી હતી. બે ભાઈ બહેન પૈકી બહેને રક્ષાબંધનના દિવસે જ એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. બનાવ અંગે પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહનો કબ્જો પરિવારને સોંપ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500