સુરતનાં ડિંડોલી કરાડવા રોડ સ્થિત સાંઈવિલા રેસિડેન્સીમાં રહેતા ટેક્ષટાઈલ વેપારીનાં ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5.73 લાખની ચોરી થઈ હતી. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનાં વૈશાલીનાં વતની અને સુરતમાં ડિંડોલી કરાડવા રોડ સિલિકોન પામની સામે સાંઈવિલા રેસિડેન્સી પ્લોટ નંબર-21માં રહેતા 26 વર્ષીય ચંદનકુમાર સગુની સિંઘ પાંડેસરા ખાતે ટેક્ષટાઈલનો વેપાર કરે છે.
જોકે તેઓ ગત તા.25 ઓક્ટોબરનાં રોજ તેમનો પરિવાર દિવાળી નિમિત્તે વતન ગયો હતો. ત્યારબાદ ગત તા.1 લી ના રોજ તેમણે ઘરમાં ફર્નિચરનું રીનોવેશન કામ ચાલુ કરાવ્યું હતું. કામ માટે આવતા પાંચ કારીગરોમાંથી બે કારીગરો ત્રીજીથી કામ અડધું છોડી ચાલ્યા ગયા હતા. દરમિયાન, પાંચમીની સવારે ચંદનકુમારે પોતાની સોનાની ચેઈન પહેરવા લોખંડનો કબાટ ખોલ્યો તો કબાટનું લોક બગડેલું હતું અને તેને ખાલી બંધ કર્યો હતો શંકા જતા કબાટ ચેક કરતા તેમાંથી સોનાની ચેઇન અને મોબાઈલ ફોન ગાયબ હતો.
આથી બાજુના રૂમમાં મુકેલો બીજો લોખંડનો કબાટ ખોલ્યો તો તેનું પણ લોક બગડેલું હતું અને તેને પણ ખાલી બંધ કર્યો હતો. તેમાં તપાસ કરતા સોનાની બંગડીઓ, ચાંદીના ઝાંઝર, સોનાના પોચા, ચાંદીના બ્રેસલેટ, સોનાનું મંગળસૂત્ર મળી બંને કબાટમાંથી કુલ રૂપિયા 5,72,605/-ની ચોરી થઈ હતી. બનાવ અંગે ચંદનકુમારે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અધવચ્ચેથી કામ છોડીને ગયેલા બે કારીગરની શંકાના આધારે અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500