સુરતનાં કોટ વિસ્તાર લાલગેટ ખાતે રહેતી અને દવાની દુકાન સંભાળતી મહિલાનો ચાર મહિનાથી પીછો કરી પરેશાન કરતા રીક્ષા ચાલકે ધમકી આપી હતી કે. ‘તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ’ તેમજ મહિલાની દુકાન પાસેથી પસાર થતી વેળા ગંદા ઈશારા કરતા રીક્ષા ચાલકે રવિવારે પીછો કરી પૂછ્યું તું આટલો ભાવ કેમ ખાય છે ? આથી છેવટે મહિલાએ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં કોટ વિસ્તાર લાલગેટ ખાતે રહેતા સીમાબેન (ઉ.વ.53, નામ બદલ્યું છે ) પટ સાથે ઘરની નીચે જ આવેલી દવાની દુકાન સંભાળે છે. એકની એક પુત્રીને વિદેશમાં પરણાવનાર સીમાબેનનો છેલ્લા ચાર મહિનાથી એક રીક્ષા નંબર જીજે/05/વીવી/0815નો ચાલક પીછો કરતો હતો. દુકાન પાસેથી પસાર થતો રીક્ષા ચાલક ગંદા ઈશારા કરતો તેમજ સીમાબેન બહાર નીકળે ત્યારે પીછો કરી પાછળથી પથ્થર ફેંકી ગાળ આપી વાત કેમ કરતી નથી તેવું પૂછી હેરાન કરતો હતો. જોકે, સીમાબેને બદનામીના ડરે આ અંગે કોઈને વાત કરી નહોતી.
જેથી રવિવારે સવારે 9 વાગ્યે સીમાબેન નજીકમાં રહેતા સાસુના ઘરે ચાલતા જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પીછો કરી રીક્ષા ઉભી રાખી પૂછ્યું હતું કે, તું આટલો ભાવ કેમ ખાય છે ? મારી સાથે વાત કેમ કરતી નથી ? તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ તેવી ધમકી આપી તે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ બપોરે એક વાગ્યે સીમાબેન દુકાને હાજર હતા ત્યારે ફરી રીક્ષા ચાલક આવ્યો હતો અને પથ્થર ફેંકી ગંદા ઈશારા કરી ભાગી ગયો હતો. બનાવ અંગે છેવટે સીમાબેને ગતરોજ રીક્ષા ચાલક વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500