સુરતનાં રીંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટનાં વેપારી પાસેથી હરિયાણા રોહતકનાં એચ.એસ એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા દહીયા ભાઇઓએ ડ્રેસ મટીરીયલ્સ ખરીદી રૂપિયા 12.92 લાખનું પેમેન્ટ આજ દિન સુધી નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સલાબતપુરામાં નોંધાય હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રીંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં જય લક્ષ્મી સિલ્ક મીલ્સ નામે દુકાન ધરાવતા રાજબીર પંજાબસિંહ ગ્રેવલ (ઉ.વ.45, રહે.ભગવતી કૃપા રેસીડન્સી, ભટાર ચાર રસ્તા,સુરત)નો વર્ષ 2014માં હરિયાણાના રોહતક ખાતે એચ.એસ. એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા જીતેન્દ્રકુમાર હુકમસિંહ દહીયા સાથે પરિચય થયો હતો.
જોકે જીતેન્દ્રસિંહે પોતાના નાના ભાઇ સોનુ હુકમસિંહ દહીયા સાથે ધંધો કરે છે એમ કહી સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કરી ફેબ્રુઆરી-2018થી નવેમ્બર-2019 દરમિયાન રૂપિયા 21.17 લાખનું ડ્રેસ મટીરીયલ્સ ખરીદયું હતું. જે પૈકી રૂપિયા 8.24 લાખનું પેમેન્ટ ચુકવ્યું હતું. પરંતુ બાકી પેમેન્ટનાં રૂપિયા 12.92 લાખ ધંધામાં મંદી ચાલે છે, પાર્ટી પાસેથી પેમેન્ટ આવ્યું નથી એમ કહી વાયદા પર વાયદા કરી આજદિન સુધી પેમેન્ટ નહીં ચુકવી દુકાનને રાતોરાત બંધ કરી દીધી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500