સુરતમાં પાલિકા તંત્ર બિસ્માર મિલકત સામે પગલાં ભરવા માટે દોડતું થયું હતું. અત્યાર સુધી પાલિકા તંત્ર નોટીસ આપીને બેસી રહ્યું હતું હવે વરસાદ આવવાની તૈયારી થતાં બિસ્માર મિલકત ઉતારી લેવા માટે આખરી નોટીસ આપી છે. કતારગામ ઝોનમાં એક સાથે જુદા જુદા વિસ્તારની 21 બિસ્માર મિલકતોને તંત્ર દ્વારા ઉતારી પાડી અને તેનો ખર્ચ મિલ્કતદાર પાસેથી વસુલ કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાના કતારગામ ઝોનના ગોટાલાવાડી, વેડરોડ, અમરોલી, કતારગામ દરવાજા, છાપરાભાઠા, ગોટાલાવાડી, કુંજ ગલી જેવા વિસ્તારની 21 બિસ્માર મિલકત માટે નોટીસ જાહેર કરી છે.
પાલિકાએ નોટીસમાં જણાવ્યું છે કે, કતારગામ ઝોનમાં આવેલી આ 21 મિલકત બિસ્માર છે તેને રીપેરીંગ કરવા અથવા ઉતારી પાડવા માટે વખતો વખત નોટીસ આપવામાં આવી છે. તેમ છતાં પણ મિલ્કતદાર કે વસવાટ કરનારા દ્વારા બિસ્માર મિલકત રીપેર કરવા કે ઉતારી પાડવા માટે કોઈ કામગીરી કરી નથી. હાલ ચોમાસું આવી રહ્યું છે ત્યારે આ મિલકત આસપાસ રહેનારા કે પસાર થનારા માટે જોખમી બની ગઈ છે.
મિલ્કતદાર દ્વારા આ મિલકત માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી તેથી આ છેલ્લી નોટીસ આપીને 21 મિલ્કતોને પંદર દિવસમાં ઉતારી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ નોટિસ બાદ પણ જો મિલકતદાર જોખણી મિલકત ઉતારી નહીં લે તો પાલિકા તંત્ર આ મિલ્કતને ઉતારી લેશે અને તેનો તમામ ખર્ચ મિલ્કતદાર, કબ્જેદાર પાસેથી વસુલ કરવામાં આવશે. પાલિકા કામગીરી કરે તે પહેલાં કોઈ બનાવ બને અને જાનહાની થાય તો તેની તમામ જવાબદારી મિલકતદારની રહેશે તેમ પણ જણાવ્યું છે. આવા મિલકતદાર સામે પાલિકા ફોજદારી સહિતના પગલાં ભરવાની કામગીરી કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500