સુરતનાં કામરેજનાં કઠોર ગામની સીમમાં અમૃત સરોવર નામની બંધ રેસિડન્સીમાંથી રૂપિયા 8.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જોકે પોલીસે સ્થળ પરથી એક કાર સહિત કુલ રૂપિયા 14.50 લાખથી વધુનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કઠોર ગામની સીમમાં આવેલી અમૃત સરોવર નામની રેસીડેન્સીના બંધ મકાનની સામે રસ્તા પર એક લાલ રંગની વગર નંબરની કારનો ચાલક તથા તેની સાથેના બીજા ત્રણ ઈસમો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો.
ત્યાં વિદેશી દારૂ સગેવગે કરી રહેલા કાર ચાલક અને અન્ય ત્રણ ઈસમો સોસાયટીની દીવાલ કૂદી નાસી છૂટયા હતા. જોકે પોલીસે સ્થળ પરથી 5820 નંગ દારૂની બાટલીઓ જેની કિંમત રૂપિયા 8,50,800 તેમજ એક કાર મળી કુલ રૂપિયા 14,50,800/-નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500