Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારે વરસાદની વચ્ચે કડોદરા-સહરા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતાં ત્રણથી ચાર કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો

  • July 23, 2024 

છેલ્લાં ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત અવિરત અનારાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. જયારે આજે સવારથી વરસાદ ફરી જામ્યો છે. સતત વરસી રહ્યો છે, જેના લીધે શહેરના પ્રવેશદ્વાર પૈકીના એક અને સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા ધોરી નસ સમાન કડોદરા-સહરા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના લીધે ત્રણથી ચાર કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સુરતને નેશનલ હાઈવે 48થી જોડતો કડોદરા સહરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા છે.


નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો આ રસ્તે જ સુરતમાં પ્રવેશ કરે છે. અહીં રાત્રિના સમયે શાકભાજીની ટ્રકો આવતી હોય છે. ટ્રાન્સપોર્ટેશન બસ જેવા મોટા વાહનોની પણ અવરજવર રહેતી હોય છે. દિવસના સમયે નોકરીયાતો, માર્કેટના વેપારીઓ તથા કાપડની હેરફેર કરતા ટેમ્પોની અવરજવર રહેતી હોય છે. અહીં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. સવારથી વરસાદને લીધે રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બેથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. સુરત શહેરમાં વરસાદ ઉપરાંત સુરત ગ્રામ્ય અને ઉપરવાસમાં વરસાદ પડતો હોવાના લીધે શહેરમાં પસાર થતી ખાડીઓ ઓવરફલો થઈ છે.


ખાડીના પાણી કડોદરા-સહરા દરવાજાના રોડ પર તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા ખાડી પૂર જેવી સ્થિતિ ઉદ્દભવી છે. ખાડીઓના જળસ્તરમાં વધારો થયો હોવાના લીધે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાય છે. મીઠી ખાડીના પાણી ઉભરાતા લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણ વાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે.


જેના કારણે ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાંથી પસાર થતી હોવાના કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે. જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાતનાકા સુધીના રસ્તા પર વ્રજ ચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આગામી 24 કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિ. તંત્ર સતર્ક બની ગયું છે. મીઠી ખાડી તેની ભયજનક સપાટીથી લગોલગ વહેતી હોવાથી મ્યુનિ. તંત્રએ સતત મોનીટરીંગ શરૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application