સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો માટે રાહત થઈ છે અને ચાલુ વર્ષે જુલાઈ માસમા જ બારડોલી પંથકમાં હજારથી વધુ હેકટરમાં વાવેતર થઈ ગયું છે. જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. છેલ્લા એક પખવાડિયામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસતા સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.
તેમજ સિઝનનો મહત્તમ વરસાદ પડ્યો હતો. જેથી સીધી અસર આ વખતે ખેતી પાકોના વાવેતરમાં જોવા મળી હતી. જોકે સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ડાંગર સહિત વિવિધ પાકો મળી 3 હજાર હેકટરથી વધુનું વાવેતર થઈ ચૂક્યું છે.
જ્યારે જિલ્લાનાં 9 તાલુકાઓ પૈકી બારડોલી પંથકમાં જ ડાંગર સહિત વિવિધ પાકો મળી 1300 હેકટર જેટલું વાવેતર થઈ ગયું છે. સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત જિલ્લામાં 280 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.
જ્યારે જિલ્લાનાં બારડોલીમાં પણ 35 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ખેતીમાં પણ પાણીની સારી આવક જોવા મળતા ખેડૂતોએ ચોમાસુ ડાંગરની રોપણીમાં જોતરાયા હતા. બારડોલી પંથકમાં ગત વર્ષે જુલાઈ માસમાં 817 હેકટર જમીનમાં જ વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે ખેતી લાયક સારો વરસાદ વરસતા 500 હેકટરનો વધારો વાવેતરમાં જોવા મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500