સુરત જિલ્લાનાં બારડોલીનાં તેન રોડ પર આવેલ એક ફર્નિચરની દુકાનમાં માંડવી વનવિભાગની ટીમ દ્વારા 69 હજારથી વધુનાં સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે વનવિભાગે દુકાનમાંથી રૂપિયા 7.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગત મે મહિનામાં વિસ્તારમાંથી આશરે રૂપિયા 9 લાખથી વધુનો ગેરકાયદેસર લાકડાનો જથ્થો માંડવી વનવિભાગે પકડી પાડ્યો હતો.
જયારે આ ગુનામાં વનવિભાગની ટીમે કાળુ ગુનારામ સુથાર અને પ્રેમરાજ ડુંગરચંદ સાલવીની અટક કરી હતી. જોકે પૂછપરછ દરમિયાન માંડવી તાલુકાનાં અરેઠ ગામે રહેતા કૈલાશ ચુનીલાલ સુથારનું નામ ખૂલ્યું હતું જેથી વનવિભાગે કૈલાશની ધરપકડ કરી પૂછપરછ કરતા કેટલોક જથ્થો બારડોલી ખાતે તેન રોડ પર આવેલ રવિ સી.એન.સી. એન્ડ મોલ્ડિંગ ફર્નિચર નામના વર્કશોપમાં આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
જેથી માંડવી વનવિભાગનાં અધિકારીઓએ બારડોલીની આ ફર્નિચરની દુકાનમાં તપાસ કરતા રૂપિયા 69,200/-નો ગેરકાયદે સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વનવિભાગની ટીમને જોતા વર્કશોપનો માલિક દિલખુશ સોહનલાલ સુથાર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
=
વધુમાં માંડવી વનવિભાગના આર.એફ.ઓ.એ જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં ફર્નિચરના વર્કશોપનું નામ ખુલતા તપાસ હાથ ધરાઇ હતી. વર્કશોપમાં ચોરીનો જેટલો જથ્થો આપવામાં આવ્યો હતો તેમાંથી મોટાભાગનો જથ્થો વેચી દેવાયો હતો. હાલ અમે લાકડાનો બચેલો જથ્થો અને મશીનરી સહિત કુલ સાડા સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500